આગમાં કરોડોનું નુકસાન વેઠનારી કંપનીને 45 લાખનો દંડ ફટકાર્યો - COMPANY
વાપી :- વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં ગત 28મી જાન્યુઆરીએ મેન્કોઝેબ અને એસીફેટ નામની જંતુનાશક દવાના જથ્થામાં લાગેલી આગ બાદ આસપાસના વિસ્તારમાં ઝેરી રાસાયણિક ધુમાડો ફેલાયો હતો. જેનાથી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને અને પર્યાવરણને નુકસાન થયું હતું. જે ધ્યાને આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કંપનીને ક્લોઝર નોટિસ ફટકાર્યા બાદ 45 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સરીગામ ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ઝોનમાં કાર્યરત કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની જંતુનાશક દવાનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગમાં ગત 28મી જાન્યુઆરીએ રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. આ ગંભીર ઘટનામાં સરીગામ, કરંજગામ, માંડા ગામ તથા આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. કંપનીમાં ફાટી નીકળેલી આગમાંથી નીકળેલા ઝેરી રાસાયણિક ધુમાડાથી સામાન્ય જનજીવનને અસર થતા સ્થાનિકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીને 45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે આ અંગે હાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સરીગામ સ્થિત અધિકારીએ વધુ માહિતી આપવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોરોમંડલ કંપનીમાં લાગેલી આગમાં 1500 ટન જેટલો જંતુનાશક દવાનો જથ્થો નાશ પામ્યો છે. અને કંપનીને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. જેમાં કંપનીની બેદરકારી સામે આવી હતી. જેના કારણે ઝેરી રાસાયણિક ધુમાડાથી એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો અન્ય ચાર જેટલા વ્યક્તિઓને પણ ગેસની અસર થતા સામાન્ય જનજીવન પર અસર પડી હતી. સતત ચાર દિવસ સુધી કાટમાળમાંથી ઉઠતા રહેલા ધૂમાડાને અને આગને ડામવા NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. જે બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોરોમંડલ કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી કંપનીનું વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપવામાં આવ્યું હતું. અને જે બાદ વધુ કડક કાર્યવાહી હાથ ધરતા 45 લાખ જેવો માતબર રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.