વાપી: મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાની સ્થાનિક ગુન્હા શોધક શાખાએ આંતરરાજ્યમાં વાહનોની, વાહનોના સ્પેરપાર્ટ્સની અને પશુઓની ચોરી કરતા ગેંગના 7 સભ્યોને 55 વાહનો સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ઈસમોએ ગુજરાતના વલસાડ અને સંઘપ્રદેશ સેલવાસથી પણ વાહનો અને પશુઓની ચોરી કરી હોવાનો પર્દાફાશ પાલઘર પોલીસને કર્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાંથી થોડા દિવસ પહેલા 4 મહિન્દ્રા પિકઅપ વાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સ્થાનિક ગુન્હા શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્ર નાયકે વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પિકઅપ વાહન ચોરતી ટોળકીને દબોચી લીધી હતી.
પાલઘર જિલ્લાની સ્થાનિક ગુન્હા શોધક શાખાને મોટી સફળતા મળી
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની સ્થાનિક ગુન્હા શોધક શાખાને મોટી સફળતા મળી હતી. આંતરરાજ્યમાં વાહનોની, વાહનોના સ્પેરપાર્ટ્સની અને પશુઓની ચોરી કરતા ગેંગના 7 સભ્યોને 55 વાહનો સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે દબોચેલી ટોળકીના 7 ઈસમો પાસેથી પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં પોલીસે આ ચોર ટોળકીએ આચરેલા કુલ 64 ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં આ ચોર ટોળકી પાસેથી 55 ચોરાયેલા વાહનો, 4 ચોરાયેલા વાહનોના પાર્ટ્સ અને 4 સ્થળે પશુઓની ચોરીનો પ્રર્દાફાશ થયો છે.
સમગ્ર ચોરીની ઘટના અંગે ચોર ટોળકીએ કરેલી કબૂલાત મુજબ તેઓ પાલઘર, થાણે અને ગુજરાતના વલસાડ સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પિકઅપ વાહનની ચોરી કરતા હતાં. જે વાહનોને તેઓ પશુનો ગેરકાયદેસર હેરાફેરી અને ચોરીમાં ઉપયોગ કરતા હતાં. આ આંતરરાજ્ય ચોર ટોળકી સૌપ્રથમ ચોરાયેલા વાહનોના એન્જીન અને ચેસિસ નંબરને ગ્રાઇન્ડર વડે ભૂંસી નાખી તે બાદ ભીવંડીમાં ગેરેજના ભંગારમાં આવેલા વાહનોના નમ્બર એમ્બોસ કરી સસ્તા દામે વેચી દેતા હતાં.
પોલીસે આ ટોળકીના કુલ 4 સ્થળો પર દરોડા પાડી 27 પિકઅપ વાહનો કબ્જે કર્યા છે. જેમાં 19 મહિન્દ્રા પિકઅપ, 6 મહિન્દ્રા મેક્સ, 2 પિકઅપ ટોઇંગ વાહનનો સમાવેશ થાય છે. તેમજ અન્ય કેટલાક વાહનોના સ્પેરપાર્ટ્સ પણ કબ્જે કરી તમામ સાતેય આરોપીઓને 20મી ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.