- RTI દ્વારા કરવામાં આવેલા આઉટસોર્સના કર્મચારીના વેતન અંગેની માગ કરાઈ
- વલસાડ જિલ્લામાં 300 કર્મચારીને નવેમ્બર માસનું ચુકવણું બાકી
- અનેક રજૂઆત છતાં કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આર.ટી.આઈ કરાઈ
વલસાડઃ જિલ્લામાં આવેલા આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગથી કામ કરતા 300 કર્મચારીનો નવેમ્બર માસનો પાગર હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી અને સમગ્ર બાબતે જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આજે (શનિવાર) સમગ્ર બાબતે કર્મચારી સાથે સામુહિક આરટીઆઇ (Right to Information) કરી પાંચ વર્ષના હિસાબની માગ કરવામાં આવી છે.
કર્મચારીઓને પુરૂં વેતન ન ચૂકવવાની ફરિયાદો
આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને પુરું વેતન ના ચુકવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા રજૂઆતો કરવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કર્મચારીઓના ચુકવણા બાબતે યોગ્ય કાર્યવાહી ના કરતા તેમજ ફરિયાદોનો સંતોષકારક જવાબ ના મળતા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા તેમજ એજન્સીઓ અને અધિકારીઓની લાલિયાવાડી ખુલ્લી પાડવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આરટીઆઈનું શસ્ત્ર ઉપાડયું છે.
છેલ્લા પાંચ વર્ષમાં વેતન પી.એફ બોનસ અંગેની વિગતો મંગાઈ
વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આઉટસોર્સિંગ કર્મચારીઓએ જિલ્લા કલેકટરને સામુહિક આરટીઆઈ કરી આઉટસોર્સિંગની નીતિ સામે વિરોધ દર્શાવ્યો અને પોતાના પાંચ વર્ષમાં એજન્સીઓ દ્વારા ચુકવાયેલા પગાર, બોનસ ઈપીએફ, ઈએસઆઈસી એરિયર્સ સહિત કાપવામાં આવતી રકમનો આરટીઆઈ દ્વારા હિસાબ માગ્યો હતો.
વલસાડ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓએ આરટીઆઈ દ્વારા માગ્યો પાંચ વર્ષનો હિસાબ સમયસર પગાર ના કરનારા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સરકારે 22 જુને આદેશ કર્યો
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું કે, સરકાર બધુ જાણતી હોવા છતાં નક્કર કામગીરી કરવાની જગ્યાએ માત્ર આદેશ કરીને સંતોષ માને છે. સમયસર પગાર ના કરનારી હોસ્પિટલો અને સંસ્થાઓ વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ મુજબ કાર્યવાહી કરવા સરકારે 22 જુને આદેશ કર્યો હતો, પરંતુ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો નવેમ્બર મહિનાનો પગાર હજી સુધી થયો નથી એમ છતાં એક પણ ફરિયાદ હજી સુધી કરવામાં આવી નથી.
સરકાર વચેટિયાને પ્રોત્સાહન આપતી બેધારી નીતિ અપનાવી છે
એક બાજુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચેટીયા ભ્રષ્ટાચાર કરે છે એવી ડાહી વાતો કરે છે. જયારે બીજી બાજુ આઉટસોર્સ એજન્સીઓ જેવા વચેટીયાઓને પ્રોત્સાહન આપી બે મોઢાની વાતો કરી રહ્યા છે. આઉટસોર્સિંગની નીતિથી સરકારની અને કર્મચારીઓની તિજોરીને નુકસાન જતું હોવા છતાં જનતાના ટેક્સના નાણાનો દુરઉપયોગ કરી પોતાના મળતિયાઓને માલદાર કરવા જ આઉટસોર્સિંગની નીતિ સરકાર લાવી હોવાનો આક્ષેપ રજનીકાંત ભારતીયએ લગાવવાની સાથે આગળ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.