વાપીઃ વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વિધિવત ચોમાસુ બેસી ગયા બાદ 3 દિવસથી સતત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. વાપીમાં સોમવારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીની લહેર સોમવારના વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનોમાં આનંદ સાથે ભયનું વાતાવરણ ઉભું થયું હતુ. જ્યારે રાબેતા મુજબ વહેલી સવારથી સાંજના 6 વાગ્યા સુધી કેટલાય વિસ્તારોમાં લાઈટ ગુલ રહી હતી. તો કેટલાક વિસ્તારોમાં ડીમ લાઈટના કારણે લોકોએ પરેશાનીનો સામનો કર્યો હતો.સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં 16 mm, કપરાડા તાલુકામાં 22 mm, ધરમપુર તાલુકામાં 8 mm, પારડી તાલુકામાં 24 mm, વલસાડ તાલુકામાં 21 mm અને વાપી તાલુકામાં 29 mm વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં છઠ્ઠી જુલાઈના રોજ સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ 85.17 mm વરસાદ વરસ્યો હતો. તાલુકાવાર વિગત જોઈએ તો પારડી તાલુકામાં સૌથી વધુ 115 mm, જ્યારે ઉમરગામ તાલુકામાં 70 mm, કપરાડા તાલુકામાં 89 mm, ધરમપુર તાલુકામાં 43 mm, વલસાડ તાલુકામાં 90 mm અને વાપી તાલુકામાં 104 mm વરસાદ નોંધાયો છે. મોસમના કુલ વરસાદની વિગત જોઈએ તો ઉમરગામ તાલુકામાં 258 એમ.એમ., કપરાડા તાલુકામાં 456 એમ.એમ., ધરમપુર તાલુકામાં 292 અને પારડી તાલુકામાં 160 mm, વલસાડ તાલુકામાં 264 mm અને વાપી તાલુકામાં 279 mm વરસાદ નોંધાયો છે. એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. દાદરા નગર હવેલીના સેલવાસમાં સોમવારે વહેલી સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 97.2 mm વરસાદ વરસ્યો હતો. ખાનવેલમાં 93.8 mm વરસાદ વરસ્યો હતો. એ સાથે પ્રદેશમાં કુલ મૌસમનો વરસાદ સેલવાસમાં 336.2 mm અને ખાનવેલમાં 343.5 mm વરસાદ નોંધાયો હોય ખેડૂતોમાં અને શહેરીજનોમાં ઠંડક સાથે ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીની લહેર જિલ્લાનાં સૌથી મોટા મધુબન ડેમની જળસપાટી હાલ 69.50 મીટરે સ્થિર છે. ડેમમાં ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો હોવાથી 4073 ક્યુસેકની નવી આવક થઈ રહી છે. હજુ સુધી એકપણ દરવાજો ખોલવામાં આવ્યો નથી.