લોકસભાની ચૂંટણી દરમિયાન મોટી રકમની રોકડની લેવડદેવડ પર લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ પણ વાપી આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન વાપીની આંગડિયા પેઢીમાંથી રૂપિયા74 લાખ રોકડા જપ્ત કર્યા છે. IT વિભાગેને મળેલી બાતમીના આધારે વાપીના ગોવિંદા સ્થિત આવેલી અરવિંદ કાંતિલાલ પટેલ નામની પેઢીમાંથી રૂપિયા52 લાખ, પી.મગનલાલની પેઢીમાંથી રૂપિયા13 લાખ અને ઈશ્વર સોમાભાઈની પેઢીમાંથી રૂપિયા8.24 લાખ જપ્ત કર્યા છે.
વાપીમાં ચૂંટણી સમયે IT વિભાગે જપ્ત કરી 1.27 કરોડની રોકડ
વાપી: ઇન્વેસ્ટિગેશન વીંગે ચૂંટણી દરમિયાન અત્યાર સુધી 1.27 કરોડની રોકડ જપ્ત કરી છે. જેમાં વાપીની આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા 74 લાખ અને પોલીસ વિભાગે પકડેલા રૂપિયા 53.87 લાખનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વાપી આવકવેરા વિભાગે જ ચૂંટણી દરમિયાન આટલી મોટી રોકડ રકમ જપ્ત કરી છે.
ઇન્વેસ્ટિગેશન વિંગના જોઈન્ટ ડાયરેક્ટર કમલ મંગલ અને ડેપ્યુટી ડાયરેક્ટર પરેશ દેશપાંડે તથા તેની ટીમે હાથ ધરેલી તપાસમાં આ તમામ રોકડ અંગેના આંગડિયા પેઢીના સંચાલકો કોઈ પુરાવા રજૂ નહીં કરી શકતા બિનહિસાબી નાણાં તરીકે રૂપિયા74 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણીની જાહેરાત થયા બાદ પોલીસે પકડેલા રોકડ રકમના ત્રણ કેસમાં રૂ.53.87 લાખ જપ્ત કરવાની સાથે આંગડિયા પેઢીમાંથી પકડાયેલા રૂપિયા74 લાખ મળી અત્યારસુધી કુલ રૂપિયા1.27 કરોડ જપ્ત કર્યા હતા.
જે ચૂંટણી દરમિયાન ગુજરાતભરમાં પહેલો કિસ્સો છે. IT વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મોટા નાણાકીય વ્યવહારો કરતા એકમો, વ્યવસાયીઓ પર તેમજ બેંક ટ્રાન્ઝેક્શન પર ITદ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.