વલસાડઃ શહેર નજીકમાં આવેલા ચણવાઈ ગામે આમલ ફળીયાના યુવાનો દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. ગામને સમૃધ્ધ બનાવવા તેમજ ગ્રામ સ્વરાજ ને અનુલક્ષી લોકડાઉન જેવી સ્થિતિમાં ગામની મૂડી ગામમાં જ રહે અને લોકોને જરૂરિયાતની ચીજો મળી રહે એ માટે ગલી મોલનો પ્રારંભ કર્યો છે.
જી જાણી ને ચોંકી ગયા ને ? ચણવાઈના વાડી ફળીયા આમલ ફળીયામાં ગલી લાઇબ્રેરી યુવા સમિતિના 17 જેટલા યુવકો દ્વારા ગામના જ ખેડૂતો દ્વારા કરવામાં આવેલા શાકભાજીનું ઉત્પાદન જેઓ વલસાડ શહેરમાં વેચાણ અર્થે જતા હતા. તે બજાર ભાવે ગામમાં જ ખરીદી લઈ લાઈબ્રેરીના સ્થળે ગ્રામજનો માટે હોલસેલ વેચાણ શરૂ કર્યું છે. જે શાકભાજી ન હોય તે શહેરી કક્ષાએથી લાવીને પણ આ સ્થળે હોલસેલ ભાવે વેચાણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગલી લાઇબ્રેરી સમિતિના અજય ભાઈ પટેલે જણાવ્યું કે, લોકડાઉન જેવી સ્થિતિમાં સૌથી વધુ ખરાબ હાલત ખેડૂતોની છે. તેઓ શાકભાજીની ખેતી કરીને ઉત્પાદન મેળવ્યું છે. પણ લોકડાઉન જેવા સમયમાં તેમની મુંઝવણ એ વધી કે શકભાજી ખેતરમાંથી લાવ્યા બાદ વેચાણ કરવા ક્યાં જવું ? ત્યારે ગલી લાઇબ્રેરી સમિતિ દ્વારા આવા ખેડૂતો પાસેથી શાકભાજીનું ઉત્પાદન ખરીદી કરી ગામના જ લોકો માટે એક સ્થળે વેચાણ શરૂ કર્યું છે. જેનુ નામ "ગલી મોલ" રાખવામાં આવ્યું છે. જ્યાં તમામ શાકભાજી ગ્રામજનો માટે મળી રહે છે.
નોંધનીય છે કે, ગામના જ યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલા નવતર પ્રયોગથી ખેડૂતો માટે તો રોજી આપનાર બન્યો જ છે. સાથે સાથે ગામના લોકોને એકજ સ્થળે તમામ શાકભાજી હોલસેલ ભાવે મળતી થઈ છે. સરકારના હાલના નિયમ મુજબ ગલીમોલમાં ખરીદી માટે જનાર માટે નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. કાપડની થેલી ફરજીયાત લઈને આવવું ગલીમોલ આગળ બનાવેલા સોસીયલ ડિસ્ટનસિંગના સર્કલમાં જ ઉભા રહેવું ફરજીયાત છે. આમ, ગલીમોલ એ ગ્રામ સ્વરાજ ને અનુલક્ષી શરૂ થયેલી પહેલ અન્ય ગામના યુવાનો માટે એક ઉમદા પહેલ કહી શકાય.