વલસાડમાં આવેલા બીલીમોરાની સરકારી હોસ્પિટલમાં એક બાળકીનો જન્મ થયો હતો. આ નવજાત બાળકી થોડી નબળી હોવાથી બાળકીના માતાપિતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં બાળકીની સારવાર સારી ચાલી રહી હતી. પરંતુ 4થી 5 દિવસ બાદ બાળકીના માતાપિતા હોસ્પિટલના બિછાને બાળકીને મૂકીને ચાલી ગયા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ થોડા દિવસ રાહ જોઈ, પરંતુ માતાપિતા ન આવતા સિવિલના ડૉક્ટરોએ સીટી પોલીસને જાણ કરી હતી.
વલસાડ પોલીસની પ્રશંસનીય કામગીરી, ત્યજેલી બાળકીને માત્ર 36 કલાકમાં જ માતાપિતાને સોંપી
વલસાડ: જિલ્લામાં આવેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકીને લઈને આવેલા માતાપિતા બાળકીને મૂકીને ચાલ્યા ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા બાળકીના માતાપિતાને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે માત્ર 36 કલાકમાં બાળકીના માતાપિતાને શોધીને બાળકી તેમને હવાલે કરી હતી.
આ અંગે પોલીસે વલસાડ જિલ્લો અને અન્ય જગ્યાએ તપાસ કરતા બાળકીના માતાપિતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ શહેર પોલીસે UP અને MPમાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યાંથી બાળકીના માતાપિતા MPના રતલામ શહેરના એક ગામમાંથી મળી આવતા બાળકીને એના માતાપિતાને સોંપી હતી. જોકે માતાપિતા બાળકીને એટલે ત્યજી ગયા હોવાનું પોલીસને જણાવ્યું કે, તેઓ તેના સંતાનને સારવાર આપી શકે તેટલા પૈસા તેમની પાસે ન હતા.
અત્રે નોંધનીય છે કે, ગુનેગારો માટે કડક પોલીસે સૌમ્યતા દાખવીને પોતાના સ્વખર્ચે બાળકીને કપડાં, રમકડા સહિત અન્ય ચીજવસ્તુઓ આપી હતી. આ તપાસ ફક્ત 36 કલાકમાં જ પૂર્ણ કરતા વલસાડની જનતાએ પોલીસ વિભાગની આ કામગીરીને બિરદાવી હતી.