વાપી: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવસારીના સાંસદ સી આર પાટીલે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. સી આર પાટીલના વલસાડ જિલ્લાના પારડી ખાતેના અભિવાદન કાર્યક્રમમાં વાપીના ગિરિરાજ સિંહ જાડેજાએ 51 કારના કાફલા સાથે રાજવી શૈલીમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ આ યુવક હાલ વલસાડ જિલ્લાના રાજકારણમાં પ્રશંસાને પાત્ર બન્યો છે. ત્યારે આ અંગે ગિરિરાજસિંહ જાડેજાએ ETV BHARAT સાથે ખુલ્લા મને ચર્ચા કરી સી આર પાટીલની પ્રશંસા કરી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું વલસાડમાં ભવ્ય સ્વાગત બુધવારે વલસાડ જિલ્લાના પારડી ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પ્રથમ મુલાકાત હતી. તેમના આ અભિવાદન કાર્યક્રમમાં વાપીના કાર્યકર ગિરિરાજ સિંહ જાડેજાએ 51 કારની રેલી યોજી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. જેને કારણે આ યુવક હાલ વલસાડ જિલ્લાના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં છે. સી આર પાટીલના અભિવાદન કાર્યક્રમ અંગે ગિરિરાજ સિંહ જાડેજાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સી આર પાટીલ 1989થી રાજકારણમાં સક્રિય છે અને તેઓ દરેક કાર્યકરના સંપર્કમાં રહેતા હોવાથી લોકપ્રિય નેતા છે. એટલે જ પ્રદેશ પ્રમુખ તરીકેની તેની વરણીએ કાર્યકરોને અનેરો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે. જેના અભિવાદન માટે આ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.
51 કારના કાફલા સાથે રાજવી શૈલીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વલસાડ મુલાકાતને યાદગાર બનાવતા ગિરિરાજસિંહ જાડેજા ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સી આર પાટીલે પોતાના અભિવાદન કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યુ હતુ. કોરોના મહામારીથી ડરવાની જરૂર નથી, તેને હરાવવાનો છે અને તે માટે દરેકે કાર્યકરે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે. ગિરિરાજસિંહે આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં તમામ 182 સીટ પર જીત મેળવવાનો પક્ષનો મંત્ર છે. આ માટે જે પણ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ટિકિટ માંગવા આવે તે પહેલા તેમને પોતાના બુથની ચકાસણી કરી રિઝલ્ટ ચેક કરીને જ આવે.
ગિરિરાજસિંહ જાડેજાની ETV BHARAT સાથે ખાસ વાતચીત ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં સી આર પાટીલની આ મુલાકાતને ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જિલ્લાના કપરાડા તાલુકામાં ધારાસભ્યની ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ જિલ્લાના પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવનારી છે. જેને જોતા સી આર પાટીલના એજન્ડામાં બેસનારા કાર્યકરોમાં ગિરિરાજસિંહ જાડેજાએ નાનકડા કાર્યક્રમને ભવ્ય કાર્યક્રમ બનાવી પોતાનું કદ સાબિત કર્યું છે.