આમ, તો વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દરેક સ્થળ ઉપર ઘેરિયા નૃત્ય ખૂબ પ્રચલિત છે. તેમાં પણ ઘેરિયા નૃત્યમાં રમતા યુવાનોની વચ્ચે રંગબેરંગી છત્રી લઈને લોકગીત, ગરબા, ઝરીયું, પવાડો, અને જીવન કથાઓ લાલકરતા કવિતા(કવિ) ઉપર મુખ્ય આધાર રહેલો છે. વર્ષોથી દરેક સમાજમાં એવી માન્યતા ચાલી આવે છે કે દિવાળી અને નવા વર્ષ દરમિયાન પોતાના ઘરઆંગણે ઘેરિયા નૃત્ય રમાડવાથી સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય નિરામય રહે છે. જેના કારણે આજે પણ આ પરંપરાને અનેક લોકો જાળવી રાખે છે અને પોતાના ઘરે આ ઘેરિયા નૃત્ય અને આમંત્રિત કરતા હોય છે.
આધુનિક ડાન્સના જમાનામાં પણ યુવાનોને આકર્ષે છે પરંપરાગત ઘેરિયા નૃત્ય...
વલસાડઃ "ઘેરિયા રમજો મારા ભાઈ... બબ્બે જોડી રમજો રાય... હા રે હા ભાઈ"... હળવે ક રહી ને રમજો રાય રખે ને કોઈ ને વાગી જાય... હા રે હા ભાઈ ... આવા શબ્દો સંભળાય તો અચરજ નહીં પામતા કારણે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં દિવાળીનો માહોલ શરૂ થાય કે દરેક ગામમાં અને દરેક ફળિયામાં ઘેરિયા નૃત્ય રમતા કેટલાક લોકો જોવા મળે છે. જો કે માન્યતા એવી છે કે ઘેરિયા નૃત્ય રમનાર યુવકો માતાજીની આરાધના કરતા હોય છે અને દિવાળી નવા વર્ષે દરેક લોકો પોતાના ઘર આંગણે ઘેરીયા નૃત્ય રમાડે છે. જેની પાછળ લોકો માને છે કે માતાજીના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ અને આરોગ્ય નિરામય રહે છે.
સામાન્ય રીતે વર્ષોથી ઘેરિયા નૃત્ય જાળવતા વડીલો વયોવૃદ્ધ થવાને કારણે ઘેરિયા નૃત્ય રમી શકતા નથી. પરંતુ, હાલના યુવાનોને આકર્ષી રહેલી ઘેરીયા નૃત્યની પરંપરા આજે પણ જીવંત રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ છે કે યુવાનો ઘેરિયા નૃત્ય રમવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે અને તેઓ ઘેરિયા નૃત્ય શીખી રહ્યા છે. આ ઘેરિયા નૃત્ય રમવા માટે અનેક યુવાનો જોડાઈ રહ્યા છે. આજના ડિસ્કો અને ડાન્સના જમાનામાં પરંપરાગત ઘેરિયા નૃત્ય યુવાનોને આકર્ષી રહ્યું છે.
નોંધનીય છે કે માથે ટોપી એક જ સરખા દરેકના કપડા-ધોતી અને બૂટ મોજા સાથે હાથમાં દાંડિયા લઇ નીકળતી આ ટોળકીના યુવાનો ઘેરિયા તરીકે ઓળખાય છે અને તાલબદ્ધ રીતે કવિ દ્વારા ગવાયેલા ગરબા કે લોકગીતો સાથે તેઓ ડાંડીયા રમે ગોળ-ગોળ ઘૂમતા હોય છે. સામાન્ય રીતે દિવાળીના સમયમાં દરેક ફળિયામાંથી યુવાનો દ્વારા એક ઘેરૈયાની ટોળકી તૈયાર થતી હોય છે અને તે વિવિધ ગામોમાં ફરતી હોય છે અને દરેકના ઘરે જઈ આંગણામાં નૃત્ય કરતી હોય છે. મોટાપોઢા ગામ નજીક આવેલ કવાલ ગામે છેલ્લા 60 વર્ષથી ઘેરિયા નૃત્યની પરંપરા જાળવી રાખનાર વડીલ સાથે હવે અનેક નવ યુવાનો પણ જોડાયા છે. જેઓ ઘેરિયા નૃત્યમાં રમી રહ્યા છે અને તેમની આ કળા જીવન રાખવા માટે દર વર્ષે ઘેરિયામાં જાય છે
નોંધનીય છે કે વર્ષો અગાઉ જે ઘેરિયા નૃત્યમાં જતા હતા તે તમામ વડીલો હતા અને હાલમાં જે ઘેરિયામાં રમે છે. તે યુવાનો છે અને યુવાનો જોડાઈ રહ્યા છે તો જ આ વર્ષો જૂની ઘેરિયા નૃત્યની પરંપરા જીવંત બની રહે એમ છે.