ડીજેના સંગીતમાં, ઢોલ-નગારાના ધબકારે ગુરુવારે વલસાડ જિલ્લાના વાપી સહિતના વિવિધ વિસ્તારો અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં વિઘ્નહર્તાની વિદાયયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તિભાવથી સંપન્ન થતાં તમામે હાશકારો અનુભવ્યો હતો. વાપીમાં દમણગંગા નદી, કોલક રાતાખાડી, પાર, ઔરંગા નદી ગણેશ વિસર્જન યાત્રાનો છેલ્લો પડાવ બની હતી. સાંજથી મોડી રાત સુધી રસ્તાઓ પર ભીડ જોવા મળી હતી. ગણપતિ બાપા મોરિયા.... અગલે બરસ તુ જલ્દી આ...... ના નારા સાથે નદીનો કિનારો ગુંજી ઉઠ્યો હતો.
સેલવાસમાં પણ મોટી સંખ્યામાં ગણેશભક્તોએ બાપાનું વિસર્જન કર્યું હતું. દાદરાનગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું અનંત ચૌદશના દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. સેલવાસના પીપરયા વિસ્તારના પીપરીયાના રાજાની વિસર્જનયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. એ જ રીતે દમણમાં પણ મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દમણના જેટી ખાતે વાપી અને દમણ વિસ્તારમાં સ્થાપીત અંદાજિત 40 જેટલી મોટી પ્રતિમાને ક્રેઇનના સહારે વિસર્જિત કરી હતી.