ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગરના પાકમાં કરમોડીના રોગથી ખેડૂતોને નુકસાનીની દહેશત, જાણો શું છે કરમોડીનો રોગ

વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા અને ઉમરગામ તાલુકાઓમાં અંદાજિત 71 હજાર હેકટરમાં ડાંગરની ખેતીનું વાવેતર આ વર્ષે કરવામાં આવ્યું છે. પરંતુ બદલાઈ રહેલી ઋતુ અને હવામાનની અસરને કારણે ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે.

valsad
valsad

By

Published : Sep 24, 2020, 7:49 AM IST

વલસાડઃ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચોમાસા દરમિયાન ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરે છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા અને ઉમરગામ તાલુકાઓમાં અંદાજિત 71 હજાર હેકટરમાં ડાંગરની ખેતીનું વાવેતર આ વર્ષે કરવામાં આવ્યું છે. પરંતુ બદલાઈ રહેલી ઋતુ અને હવામાનની અસરને કારણે ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે.

ડાંગરના પાકમાં કરમોડીના રોગથી ખેડૂતોને નુકસાનીની દહેશત

આ વખતે ડાંગરની રોપણી પૂર્વે વરસાદ ખેંચાઇ ગયો. જ્યારે ડાંગરની રોપણી તૈયાર થઈ અને ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઇ ચૂક્યો છે. ત્યારે આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે ડાંગરના પાકમાં કરમોડીના રોગે માજા મુકી છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે. ખેતીવાડીના જાણકારોનું કહેવું છે કે વાતાવરણની અસરને કારણે આ રોગ હાલ ડાંગરના પાકમાં માઝા મૂકી રહ્યો છે અને ખેડૂતોને ૭૦ ટકા નુકસાન જાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જેને લઇને ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.

ડાંગરના પાકને નુકાસાન

વલસાડ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખેતીવાડી ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. એમાં પણ ધરમપુર અને કપરાડા વિસ્તારના ખેડૂતો માત્ર ડાંગરના પાક ઉપર જ પોતાનું જીવન ધોરણ ચલાવતા હોય છે. પરંતુ આ વર્ષે ડાંગરના વાવેતરની સિઝન દરમિયાન એક તો વરસાદ ખેંચાઇ ગયો અને ઉપરથી કુવા અને હેન્ડ પંપના પાણીથી તેમણે ફેર રોપણી કરી અને માંડ માંડ જ્યારે ખેતરમાં ડાંગરનો પાક ૯૦ દિવસ બાદ તૈયાર થયો છે ત્યારે હવે વાતાવરણની સીધી અસર તેના ઉપર પડી રહી છે.

ખેડૂતો ચિંતામાં

ધરમપુર-કપરાડા ઉમરગામ જેવા વિસ્તારમાં અનેક ક્ષેત્રોમાં કરમોડીના રોગે માજા મુકી છે જેના કારણે ખેડૂતોના ડાંગરના પાક માટે તૈયાર થયેલી ડાંગરની કંટી જે કાળા રંગની અને સાવ પોચી જોવા મળે છે, એટલે કે આ ઘંટીમાં દાણો તૈયાર થયો જ ન હોય. જેના કારણે ખેડૂતોને ૭૦ ટકા નુકસાન થાય એવી દહેશત વર્તાઈ રહી છે. હાલ ખેડૂતો પણ મૂંઝવણમાં છે. જોકે, આ રોગને નિયંત્રિત કરવા માટે કેટલીક પેસ્ટીસાઈડનો ઉપયોગ પણ ખેડૂતો કરી રહ્યાં છે. છતાં અગાઉ થયેલા નુકસાનને રોકવા માટે કોઈ ઈલાજ શક્ય નથી.

શું છે આ કરમોડી નો રોગ ?

આત્મા પ્રોજેક્ટના ખેતીવાડીના તજજ્ઞ એવા પ્રવીણભાઈ માંડાણી જણાવ્યું કે, ડાંગરના પાન ઉપર નાના ઘાટા અથવા બદામી ટપકા જે મોટા થતાં આંખના આકારના એટલે કે બંને બાજુ અણીવાળા એક સેન્ટી મીટર લંબાઇના તપખીરિયા રંગના જોવા મળે છે અને ધીરે ધીરે તે મોટા થતા પાન સુકાય અને ચીમળાઈ જાય છે. ડાંગરના પાકમાં પાન સિવાય ગાંઠનો કરમોડી રોગ પણ જોવા મળે છે. જેના કારણે ડાંગરના દાણા પણ કાળા ભૂખરા અને સુકાઈ જાય છે. તેને પોષણ મળતું બંધ થઈ જાય છે. ધરમપુર અને કપરાડાના વિવિધ ગામોમાં ડાંગરના ખેતરોમાં આ પ્રકારનો રોગ હાલમાં જોવા મળી રહ્યો છે. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

જોકે કેટલાક ખેડૂતોએ તજજ્ઞોની સલાહ લઈને પેસ્ટીસાઈડનો ઉપયોગ પણ કરવાનું શરૂ કર્યું છે. વલસાડ જિલ્લાને હાલ ઓર્ગેનિક ખેતી માટે જાહેરાત કરવામાં આવી હોય ત્યારે કેટલાક ખેડૂતો ઓર્ગેનિક રીતે પણ છાશ અને લીમડાનો ઉપયોગ કરી આ રોગને નિયંત્રિત કરવા માટેની મથામણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details