- ઉમરગામ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા અને સ્ટાફ સજ્જ
- ચૂંટણી અધિકારીઓએ મતદાન બૂથની મુલાકાત લીધી
- તમામ મતદાન બુથ પર સ્ટાફને જરૂરી સૂચનાઓ અપાઇ
વલસાડ : જિલ્લાની ઉમરગામ નગરપાલિકાના મતદાનમાં કોઈ ક્ષતિ ના રહી જાય તે માટે મતદાનની પૂર્વ સંધ્યાએ ચૂંટણી અધિકારી ડી. આઇ. પટેલ, ડી. એમ. મહાકાલ સહિતના અધિકારીઓએ તમામ મતદાન મથકોની મુલાકાત લઈને હાજર સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી અધિકારીઓએ મતદારોને પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
7 વોર્ડની 28 બેઠકોમાં 1 બેઠક બિન હરીફ હતી
ઉમરગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકોમાં 1 બેઠક બિન હરીફ થયા બાદ 27 બેઠકો પર રવિવારે મતદાન યોજાયુ હતું. જેની પૂર્વ સંધ્યાએ ચૂંટણી અધિકારીઓએ તમામ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ અંગે ચૂંટણી અધિકારી ડી.આઈ. પટેલે વિગતો આપી હતી કે, મતદાન પ્રક્રિયા માટે પ્રેસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિતના તમામ સ્ટાફને જે તે મતદાન મથક પર ફરજ સોંપી દેવામાં આવી હતી.
મતદાન મથક પર ચૂંટણી અધિકારીઓની સમીક્ષા
કોરોના ગાઈડલાઈનના પાલન અંગે સૂચના આપાઇ હતી
તમામ મતદાન બુથ પર કોઈ ક્ષતિ થાય કે કેમ તે અંગે મુલાકાત કરી હતી. ઉમરગામ નગરપાલિકામાં કુલ 21,979 મતદારો હતા. 22 મતદાન મથકોમાં 7 વોર્ડના 9 સ્થળો પર ઉભા કરવામાં આવ્યાં હતા. જ્યાં કોવિડ ગાઈડલાઈનને ધ્યાને રાખી સોશ્યલ ડિસ્ટન્સ, મેડિકલ ટીમ, સેનેટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક સહિતની વ્યવસ્થા અંગે સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી હતી. જે બાદ મતદારો માટે પાણીની વ્યવસ્થા, શૌચાલય ની વ્યવસ્થા છે કે કેમ તે અંગે વિગતો જાણી જરૂરી સૂચના આપવામાં આવી હતી.
કુલ 72 પૈકી 71 ઉમેદવારો માટે મતદાન
ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન અંગે ચૂંટણી અધિકારી ડી.આઇ. પટેલે જણાવ્યું હતું કે, 28 બેઠકમાં એક બેઠક બિનહરીફ થયા, બાદ 27 બેઠકો પર મતદાન થયું છે. જેમાં કોંગ્રેસના 20 ઉમેદવારો, ભાજપના 27 ઉમેદવારો, BSPના 4 ઉમેદવારો, રાષ્ટ્રીય ચેતના પાર્ટીના 4 ઉમેદવારો, AAPના 1 ઉમેદવાર અને 15 અપક્ષો મળી કુલ 71 ઉમેદવારો માટે મતદાન થયું હતું.
મતદારો-ઉમેદવારો તંત્રને સહકાર આપે તે માટે અપીલ કરી હતી
ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી હતી કે, ચૂંટણી પંચ દ્વારા દરેક મતદાન બુથ પર સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે. મતદારો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.