- વાર્ષિક 100 કરોડનો મત્સ્યોદ્યોગ મરણ પથારીએ
- અપૂરતા ભાવને કારણે માછીમારોની હાલત કફોડી
- વલસાડ જિલ્લો માછીમારી માટે આગવું નામ ધરાવે છે
માછલીઓના પૂરતા ભાવ ન મળવાથી માછીમારોને જ માછીમારી કરવા દે તેવી ઉઠી માગ
વલસાડ જિલ્લો ઉદ્યોગો માટે જેટલો જાણીતો છે તેટલો જ, અહીંનો દરિયાકાંઠો માછીમારી માટે જાણીતો છે. જો કે હાલ માછીમારોને મચ્છીના પૂરતા ભાવ મળતા ના હોવાથી મચ્છી માર્કેટમાં મંદી છે. માછીમારોની આવક દિવસો દિવસ ઘટતા સરકાર ખેતી ઉપજની જેમ મચ્છીનું પણ ભાવ બાંધણું કરે, ખેડૂત ખાતેદારની જેમ જન્મજાત માછીમારી સાથે સંકળાયેલા માછીમારને જ માછીમારીની મંજૂરી આપે તેવી માગ કરી છે.
નારગોલઃ ગુજરાતમાં વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો માછીમારી ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. ઉમરગામ, નારગોલ તડગામ, કાલય, મરોલી, ફણસા આ વિસ્તારમાં માછીમારો માટે જાણીતા બંદરો છે. વલસાડ જિલ્લામાં વાર્ષિક 100 કરોડનો માછલી ઉત્પાદનનો વ્યવસાય ધમધમે છે. અનેક નાની મોટી બોટ દ્વારા દરિયામાંથી માછલીઓ પકડી સ્થાનિક બજારમાં તેમજ અન્ય દેશોમાં નિકાસ કરે છે. જોકે હાલ આ
માછીમારોને અપૂરતા ભાવ, કોરોના કાળ અને હવામાનમાં ફેરફારને કારણે લાખોની ખોટ સહન કરવી પડી રહી છે.
માછીમારોને બાયોમેટ્રિક કાર્ડ આપો
આ અંગે નારગોલ ગામના શૈલેષભાઈ હોડીવાળાએ વિગતો આપી હતી કે, હાલ કોરોના કાળમાં માછીમારો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. શરૂઆતમાં છ મહિના માછીમારી બંધ રહી હોવાથી મચ્છીનું બ્રિડિંગ વધવાથી ઉત્પાદન વધુ મળવાની આશા હતી, પરંતુ ઉત્પાદન સામે માછીમાર પરિવારો અને બોટની સંખ્યા વધુ હોવાથી આશા ઠગારી નીવડી છે. સરકાર ખેડૂત સહાયની જેમ તમને યોગ્ય ભાવ બાંધણું કરી સહાય કરે, ડીઝલ પણ ભાવ કટ કરીને આપે, 32 ફૂટથી મોટી બોટ માટે પ્રતિબંધ છે તેને મંજૂરી આપે. આ સાથે જ જેવી રીતે એક ખેડૂત ખાતેદાર ખેતીના આધાર પુરાવા બાદ જ ખેડૂત બની શકે તે મુજબ માછીમારોને પણ બાયોમેટ્રિક કાર્ડ આપી જન્મજાત માછીમાર જ માછીમારી કરી શકે તેવી પરમીશન આપે તો જ માછીમારો પોતાનું ગુજરાત ચલાવી શકશે.