વલસાડ જિલ્લામાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગણેશ મહોત્સવના દોઢ દિવસ પૂર્ણ થયા બાદ વિવિધ ઘરોમાં દોઢ દિવસ માટે સ્થાપિત કરવામાં આવેલા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે વિસર્જન યાત્રા નિકળી હતી. વલસાડ શહેરના ઔરંગા નદીના કિનારે શહેરમાં સ્થાપિત કરવામાં આવેલા અનેક ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોએ પોતાના નાના-મોટા વાહનોમાં ગણેશજીની પ્રતિમાઓ લઈ નદી કિનારે પહોચ્યાં હતા.
વલસાડ ઔરંગા નદી કિનારે ગણેશ પ્રતિમાઓનું કરાયું વિસર્જન
વલસાડ: શહેરની ઔરંગા નદીના કિનારે ઘર-ઘરમાં બિરાજીત ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઓરંગા નદી પર ફાયર વિભાગના અનેક કર્મચારીઓ અનેક સુવિધાઓથી સજ્જ રહી પ્રતિમાઓનું વિસર્જન કરતા નજરે પડ્યા હતા. અંદાજિત 90થી વધુ પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.
ગણેશમૃર્તિનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને ભીની આંખોએ ગણેશજીને વિદાય આપી હતી. વિસર્જન દરમિયાન ઔરંગા નદી કિનારે કોઇ ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગની ટીમના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
વલસાડ શહેરમાં અંદાજ 600થી વધુ નાના મોટા મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. અંદાજે 14 દિવસ સુધી સતત અનેક મંડળો દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક પૂજન કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આજે દોઢ દિવસના સ્થાપિત કરેલા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થયું હતું.