- ગુજરાતથી મહારાષ્ટ્ર જવા 48 કલાકનો RT-PCR ફરજિયાત
- મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવો નિયમ નથી, માત્ર નોંધણી જ થાય છે
- 48 કલાકનો RT-PCR હોય તો જ પ્રવેશના નિયમથી કારચાલકોને સમસ્યા
વાપી :- કોરોનાકાળમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ દરમિયાન કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોએ 48 કલાકનો નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો ફરજિયાત હતો તેને હવે મરજિયાત કરી નાખ્યો છે. જ્યારે ગુજરાતથી મહારાષ્ટ્ર જતા વાહનચાલકો માટે 48 કલાકનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત હોય મોટી સંખ્યામાં વાહનચાલકોને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અટકાવી RT-PCR રિપોર્ટ ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાતો હોઇ વાહનચાલકો અટવાઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ ETV Bharat અગ્રેસર : ધોરણ 10ના પરિણામ માટે માર્ગદર્શિકા જાહેર, 22 મે ના રોજ પ્રકાશિત કર્યો હતો અહેવાલ
કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાતની વલસાડ જિલ્લાની નંદીગ્રામ ચેકપોસ્ટ પર આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમ તહેનાત કરવામાં આવી છે. એ જ રીતે મહારાષ્ટ્ર તરફ પાલઘર જિલ્લાના પોલીસવડા દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ આ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે ગુજરાતમાં પ્રવેશતા વાહનચાલકો પાસેથી જે 48 કલાકનો RT-PCR હોય તો પ્રવેશ આપવામાં આવતો હતો તેને મરજિયાત કરી માત્ર વાહનોની નોંધણી કરી ગુજરાતમાં દરેક વાહનચાલકને પ્રવેશ અપાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પ્રવેશને લઈને કચવાટ
જો કે તલાસરીની આ ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગુજરાતથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા વાહનચાલકો પાસે 48 કલાકનો RT-PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે. જે માટે જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે ફરજ બજાવી રહ્યા છે. અને RTPCR રિપોર્ટ વિના આવતા વાહનચાલકોને પરત ગુજરાતમાં મોકલી રહ્યા છે. જેને લઈને વાહનચાલકોની પરેશાની વધી હતી.
ઇમર્જન્સીમાં જતા વાહનચાલકો માટે પોલીસની માનવતા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ શરૂઆતમાં નંદીગ્રામ સરહદે RTPCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવાના આદેશથી મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાતા હતા. હાલમાં આ સિલસિલો મહારાષ્ટ્ર જતાં વાહન ચાલકો માટે ઉભો થયો છે. જો કે જે વાહન ચાલકો કોઈ બીમાર દર્દીને લઈ જઈ રહ્યા છે. અથવા તો કોઇ ઇમર્જન્સીમાં નીકળ્યા છે તેમની પાસેથી યોગ્ય કારણ જાણી પોલીસ માનવતાની દ્રષ્ટિએ રિપોર્ટ માંગ્યા વિના જ જવા દે પરંતુ ઘણાખરા લોકો માત્ર બહાના મારતા હોય અને મોજશોખ માટે જ મહારાષ્ટ્રમાં પ્રવેશી રહ્યાં છે અને તેમની પાસે RTPCR રિપોર્ટ નથી તો તેવા વાહન ચાલકોને પોલીસ પરત ગુજરાતમાં મોકલી રહી છે.
ગુજરાતથી મહારાષ્ટ્ર જવા 48 કલાકનો RT-PCR ફરજિયાત, વીલા મોંએ પરત ફરે છે કારચાલકો
વલસાડ જિલ્લાના નંદીગ્રામ સરહદે હાલ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા વાહનચાલકો પાસેથી RTPCR રિપોર્ટની ચકાસણી કરવામાં આવતી નથી. માત્ર વાહનની નોંધણી કરવામાં આવતી હોય મહારાષ્ટ્રથી વાહનચાલકો બિન્દાસ્ત ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે તેની સામે ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતા વાહનચાલકો પાસેથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી 48 કલાકનો RT-PCR હોય તો જ પ્રવેશ આપે છે. જેને કારણે દરરોજ મોટી સંખ્યામાં RT-PCR વિના મહારાષ્ટ્ર જતા વાહનચાલકોએ વીલા મોઢે પરત ફરવું પડી રહ્યુ છે.
ગુજરાતથી મહારાષ્ટ્ર જવા 48 કલાકનો RT-PCR ફરજિયાત, વીલા મોંએ પરત ફરે છે કારચાલકો