વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ ગામ ખાતે ઘરેણાં પર કોટિંગ કરવાનું કામ કરતી રેડિયમ ક્રિએશન નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કેમિકલ પ્રોસેસથી ઘરેણાં પર કોટિંગ કરી તેના વેસ્ટ પાણીનો પાઇપલાઇન મારફતે નિકાલ કરવામાં આવે છે. કેમિકલયુક્ત વેસ્ટ પાણીની પાઇપલાઇન અને સ્ટોરેજ હોજમાં લીકેજ સર્જાયું હોય આસપાસના ખેતર અને રહેણાંક વિસ્તારના ભૂગર્ભ જળને દૂષિત કર્યું છે. ત્યારબાદ પણ કંપની સંચાલકોએ જાગૃતતા નહીં બતાવતા ગત 7 ડિસેમ્બરે આ કેમિકલયુક્ત પાણી પીવાથી 15 જેટલા પક્ષીઓના મોત થતાં ગામલોકોમાં અરેરાટી ફેલાઈ છે.
ઉમરગામના તુમ્બમાં કેમિકલયુક્ત પાણીથી પક્ષીઓના મોત, તંત્રએ કંપનીને ફટકારી નોટિસ - Radium Creation
વલસાડ: અહીંના ઉમરગામ તાલુકાના તુમ્બ ગામમાં આવેલી રેડિયમ ક્રિએશન નામની કંપનીના કેમિકલયુક્ત વેસ્ટ વોટરના કારણે 15થી વધુ પક્ષીઓના મોત થતા અને નજીકના બોર, કુવાના ભૂગર્ભ જળ સહિત ખેતીની જમીન ખરાબ થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ GPCB અને પંચાયતમાં રજુઆત કરતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીમાં ઘરેણાના કોટિંગ માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું વેસ્ટ પાણી આસપાસના વિસ્તારમાં પ્રસરી રહ્યું છે. તેનાથી પક્ષીઓના મોત થયાં છે. કંપનીના વેસ્ટ વોટર અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં પક્ષીઓના મોત આ દુષિત પાણીથી થઈ રહ્યાં છે. સાથે જ ગામના પીવાના પાણીના બોર અને કુવાનું પાણી પણ ખરાબ થયું છે.
સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પક્ષીઓ જ્યાં મોતને ભેટ્યા છે તે વેસ્ટ વોટર અને આસપાસના બોરીંગના પાણીના સેમ્પલ લીધા હોવાનું જણાવી આગામી દિવસોમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ આપી હોવાની જાણકારી આપી હતી. જેની સામે ગામલોકોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો આ કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે છોડે છે. જે ઉભરાઈને આસપાસની ખેતીની જમીનને પણ નષ્ટ કરી રહ્યું છે.