વલસાડઃ દેશ અને દુનિયાને પોતાના કાળમાં લેનારા કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી છે. જે અંતર્ગત વાપીમાં પણ વાપી નગરપાલિકા દ્વારા ઝંડાચોક શહીદ સ્મારક ખાતે તિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
વાપીમાં 74મા આઝાદી પર્વની ઉજવણી
15મી ઓગસ્ટ આઝાદી દિવસને ધ્યાને રાખી વાપીમાં નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાના કહેર અને વરુણદેવની મહેર વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખે પોતાના ઉદ્દબોધનમાં સાવચેતી રાખવા નગરજનોને અપીલ કરી હતી. આ સાથે આવનારા દિવસોમાં વાપીમાં થનારા વિકાસના કામોની રૂપરેખા પણ રજૂ કરી હતી.
વરસાદી માહોલ વચ્ચે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર, નગરસેવકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો તિરંગાને સલામી આપવા ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ વિઠ્ઠલ પટેલે તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગવાયા બાદ વાપી નગરપાલિકા પ્રમુખે નગરજનોને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
પાલિકા પ્રમુખે નગરજનોને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બનાવામાં આવેલા નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. આગામી દિવસોમાં નગરપાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવનારા વિકાસના કામોની રૂપરેખા વર્ણવી હતી. કોરોના કહેર અને વરુણદેવની મહેર વચ્ચે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.