વાપી: ચોમાસામાં માર્ગો પર પડેલા ખાડા અને પાણીના ખાબોચિયા કેટલા જાનલેવા બની શકે તેની ઉદાહરણરૂપ ઘટના વાપી મુંબઈ હાઇવે નંબર 48 પર બની હતી. વાપી નેશનલ હાઇવે પર રવિવારે મુંબઈથી અમદાવાદ જઈ રહેલા તબીબની કારને અકસ્માત નડ્યો હતો. તબીબની કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઈડ પર સામેથી આવી રહેલા ટેમ્પો સાથે ભટકાઇ હતી. જેમાં તબીબનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તો કારનો એન્જીન સહિત રોડ પર વિખેરાયો હતો.
હાઇવે પર ખાબોચિયાનું પાણી બન્યું મોતનુ કારણ, કાર-ટેમ્પો અકસ્માતમાં કાર ચાલકનું મોત - Vapi Accident
વાપી નેશનલ હાઇવે પર ખાબોચિયામાં ભરાયેલું વરસાદી પાણી કારના કાચ પર આવતા ગંભીર અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં કાર ડિવાઇડર કૂદી સામેની તરફ માલ ભરેલા ટેમ્પો સાથે ભટકાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કાર ચાલક તબીબનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
આ ગમખ્વાર ઘટના અંગે મળતી વિગતો મુજબ વરસાદને કારણે વાપી નજીક UPL બ્રિજ પાસે માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાતા હોઈ કારનું ટાયર ખાબોચિયામાં પડ્યા બાદ પાણી કારના કાચ પર ઉડયું હતું. જેમાં ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક ઉપર ટેમ્પા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ચાલકને માથામાં ઇજા થવાથી સ્થળ પર દમ તોડી દીધો હતો.
મૃતક તબીબ અમિત યાદવ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતો હતો અને આયુર્વેદ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. રવિવારે કાર નંબર GJ-27-BH-2507 લઈને મુંબઈથી અમદાવાદ ખાતે બનેવીને મળવા માટે નીકળ્યો હતો. તે સમયે આ અકસ્માત થયો હતો. કારમાં તબીબ પોતે જ એકલા જ કાર ડ્રાઈવ કરીને અમદાવાદ જઈ રહ્યા હતા. બનાવ અંગે વાપી જીઆઇડીસી પોલીસને જાણ કરાઈ હતી.