વલસાડમાં 70 હજારની લાંચ લેતા BSNLના અધિકારીના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર
વલસાડઃ બીલીમોરા નગર પાલિકામાં કોન્ટ્રાક્ટના કામ દરમિયાન BSNLના વાયરો કપાયા હોવાથી કોન્ટ્રાક્ટર પાસેથી 70 હજારની લાંચ લેનારા BSNLના વર્ગ 2 સબ ડિવિઝનલ એન્જિનિયર ACBના હાથે પકડાયા હતાં. ACBએ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મંગળવાર સાંજના પાંચ વાગ્યા સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
આશીર્વાદ કનસ્ટ્રક્સનનું બીલીમોરા નગરપાલીકામાં સોમનાથ રોડ, સ્ટ્રોમ વોટર લાઈન, ફુટપાથ કારપેટ સીલીકોટનું ટેન્ડર પાસ થયું હતું. જેમાં સ્ટ્રોમ વોટર લાઈનનું ખોદકામ કરતી વખતે BSNLના કેબલ વાયરો જમીન ખોદાણનાં એક મીટર ઉ૫ર હોવાથી ખોદકામ કરતી વખતે ઘણી જગ્યાએ કેબલ વાયરો કપાઈ ગયા હતા.
જે બાબતે આ કામના આરોપીએ ફરીયાદીને તેમની BSNLની ઓફીસનાં ગેટ પાસે બોલાવી ફરીયાદીને કહ્યું કે, ખોદકામ કરતી વખતે BSNLના કેબલ વાયરો કાપી નાંખેલ જો અમો ક્લેઈમ કરીશું તો તમારા ટેન્ડરમાંથી 20થી 25 લાખ રૂપિયા કપાઈ જશે. તમે વ્યવહારમાં 70 હજાર આપશો તો અમારા તરફથી કોઈ કાર્યવાહી કરીશું નહી તેમ કહી આરોપીએ 70 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ આપવા માંગતાં ન હોવાથી ફરીયાદીએ વલસાડ અને ડાંગ ACBનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર વિગત કહી હતી. જે ફરીયાદના આધારે લાંચનું છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ લેતા પકડાઇ જઈ ગુનો કર્યો હતો જેના આધારે આરોપીને પકડી પડાયા હતા.