ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની આંબાવાડીમાં ભયાનક રોગનો પગપેસારો, જાણો શું છે આ રોગ અને ક્યાંથી આવ્યો...

વલસાડઃ સમગ્ર ગુજરાતમાં ફળોના રાજા તરીકે પ્રખ્યાત વલસાડની કેરીની આંબાવાડીઓમાં હાલ એક ભયાનક રોગનો પગપેસારો થયો છે. જેથી આંબાની કલમોમાં malformation નામનો રોગ પ્રસરી રહ્યો છે અને આંબાની કલમો સુકાઈ રહી છે. જો કે, આ રોગના પગપેસારો પાછળનું મુખ્ય કારણ સમગ્ર ગુજરાતમાં નર્સરીઓ માટે કોઈપણ પ્રકારનો નર્સરી એક્ટ લાગુ ન હોવાનું છે. જેને કારણે બીજા રાજ્યોમાંથી આવતી વિવિધ પ્રકારની કલમોમાંથી આ રોગ ધીમી ગતિએ પેસારો કરી રહ્યો છે જે ખેડૂતો અને બાગાયત વિભાગ માટે ચિંતાનો એક વિષય બન્યો છે.

વલસાડની આંબાવાડીમાં ભયાનક રોગનો પગપેસારો

By

Published : May 21, 2019, 10:55 PM IST

સમગ્ર વલસાડ જિલ્લામાં 18000 હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. તેમાં પણ ખાસ કરીને વલસાડી હાફુસ માટે ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણેક વર્ષ થઈ વાતાવરણની અસરને કારણે સંવેદનશીલ ગણાતી હાફુસની કેરીઓનો પાક મહદંશે ઓછો ઊતરી રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવતી વિવિધ કલમોની સાથે ખેડૂતો કેટલાક રોગો પણ સાથે લઈ આવતા હોય છે, પરંતુ આ સમગ્ર બાબતની જાણકારી ખેડૂતોને પણ હોતી નથી. છેલ્લા 4 વર્ષથી વલસાડમાં અન્ય રાજ્યોમાંથી કલમો વેચવા આવતા કેટલાક ફેરિયાઓએ ખેડૂતોને આવી રોગિષ્ટ કલમો પધરાવી દેવામાં આવી હતી. જેના કારણે વલસાડના કેટલાક વિસ્તારોમાં જ્યાં આંબાની નર્સરી આવેલી છે તે ક્ષેત્રોમાં malformation નામનો રોગ જોવા મળી રહ્યો છે.

વલસાડ જિલ્લા બાગાયત અધિકારીના જણાવ્યા અનુસાર, આ રોગ એટલો ભયાનક છે કે, જે પણ કલમમાં દેખાય તે કલમનું નિકંદન કાઢ્યા વિના તે જતો નથી. જે પણ ડાળીઓ ઉપર આ રોગની અસર જોવા મળે તે ડાળીઓને અડધેથી કાપી નાખવામાં જ કલમ બચાવી લેવાનું હિત સમાયેલું છે. વધુમાં કાપેલી ડાળી સળગાવી દેવી અથવા તો ખાડો ખોદીને દાટી દેવી જેથી આ રોગ વધુ વકરી શકે નહીં. જો કાપેલી ડાળીને ખુલ્લેઆમ છોડી દેવામાં આવે તો, તેના જંતુ હવામાં ફેલાય છે અને અન્ય કલમો ઉપર પણ તેની અસર ઊભી કરે છે. મહત્વની વાત છે કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોમાં નર્સરી એક્ટ લાગુ હોવાથી ત્યાં આ પ્રકારે રોપ વેચવાની મનાઈ છે, પરંતુ ગુજરાતમાં કોઈપણ પ્રકારનો નર્સરી એક્ટ લાગુ ન હોવાથી અન્ય રાજ્યોમાંથી કોઈપણ રોકટોક વિના ફૂલ છોડ કે અનેક પ્રકારની કલમો ગુજરાતમાં લાવવામાં આવી રહી છે અને ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે.

વલસાડની આંબાવાડીમાં ભયાનક રોગનો પગપેસારો

વલસાડ જિલ્લા બાગાયત અધિકારી નીતિનભાઈ પટેલ કહ્યુ કે, છેલ્લા 3 વર્ષથી malformation નામનો રોગ ઘર કરી ગયો છે. આ નર્સરીઓમાં બનાવવામાં આવતી 100 જેટલી આંબાની ચેપા કલમોમાં આ રોગ જોવા મળે છે. આ રોગમાં કલમના પાંદડા ગોળ વળી જાય ત્યારબાદ ધીરે ધીરે સુકાઈને ખરી જતા હોય છે. જો તેને અટકાવવું હોય તો જ્યાં આગળથી આ ડાળીઓ ગોળ વળી જતી હોય તે ભાગમાંથી તેને કટ કરીને અલગ કરી દેવી પડતી હોય છે. જો તેમ ન કરવામાં આવે તો, ધીરે ધીરે કરીને આખી કલમ જ આ રોગનો શિકાર બને છે. આ સમગ્ર બાબતનું મુખ્ય કારણ ગુજરાતમાં નર્સરી એક્ટ લાગુ નથી જેના કારણે malformation નામનો રોગ પગપેસારો કરી ચૂક્યો છે. જો તેને સમયસર ડામવામાં નહીં આવે તો તે આગામી વર્ષમાં સમગ્ર વલસાડ જિલ્લાને પોતાની ચપેટમાં લઈ શકે એમ છે.

ABOUT THE AUTHOR

...view details