ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોવિડ-19 બાદ હોસ્પિટલોમાં સીઝનલ બીમારીના દર્દીઓમાં ઘટાડો

વૈશ્વિક મહામારી કોરોના શરૂ થતા તેની સીધી અસર દરેક નાના-મોટા રોજગારો ઉપર પડી છે. સામાન્ય દિવસોમાં શરદી-ખાંસી, ઝાડા-ઊલટી, તાવ જેવી બીમારીઓના દર્દીઓ જે પોતાની સારવાર કરાવવા માટે ખાનગી ક્લિનિકો કે સરકારી હોસ્પિટલો પર આવતા જોવા મળતા હતા પરંતુ, હવે ઓપીડીમાં ઘટાડો થયો છે. એટલે કે, કોરોનાના ડરથી લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે તેમ જ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખતા શીખી ગયા છે. વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં જે ઓપીડીની સંખ્યા હતી તે ઘટીને હાલના કોરોનાના સમયમાં 50થી 55 પર પહોંચી ગઇ છે. જ્યારે જિલ્લામાં મેલેરીયાની વાત કરીએ તો સરકારી ચોપડે જૂન અને જુલાઈ માસમાં માત્ર જૂન માસમાં એક મેલેરિયાનો કેસ નોંધાયો છે.

valsad
વલસાડમાં કોવિડ-19

By

Published : Aug 16, 2020, 4:15 PM IST

વલસાડઃ જિલ્લાના લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ ફેલાયો છે તો સાથે સાથે લોકોમાં સ્વાસ્થ્યની કાળજી લેવાની પણ સમજણ ઉભી થઈ છે. એક ડરનો માહોલ છે કે સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની થઈ રહેલી સારવાર બાદ લોકો હોસ્પિટલોની સારવાર સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે તો અનેક જગ્યા ઉપર કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે, જેના કારણે લોકો હવે હોસ્પિટલ સુધી સારવાર લેવા માટે પણ ડરી રહ્યા છે પરંતુ, એ વાત ચોક્કસ છે કે, શિક્ષિત વર્ગના લોકો હવે કોરોના જેવી બીમારી સામે આવતા પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે અને તેમની ખાનપાન અને રહેણીકરણીની સ્ટાઇલ બદલાવી ચૂક્યા છે. હાલમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકો કામ વિના બહાર નીકળતા નથી તેમ જ જેઓ હંમેશા ફાસ્ટ ફૂડ આરોગતા હતા તેવા લોકો પોતાના ઘરનું ભોજન કરતા થયા છે. આ સાથે કસરત અને યોગ પણ તેઓના જીવન માટે જરૂરી બની ગયું છે.

સીઝનલ બીમારીના દર્દીઓમાં ઘટાડો

નિષ્ણાતોનું માનવું છે કે, લોકો હોસ્પિટલ આવતા ડરી રહ્યા છે પરંતુ ડોક્ટરોનું માનવું છે કે લોકો ડરી નથી રહ્યા પરંતુ, પોતાના સ્વાસ્થ્યની અને આરોગ્યની દરકાર કરતા થઈ ગયા છે. પોતાના ઘરની આજુબાજુ સફાઇ તેમજ ભોજનમાં સાદુ અને ઘરનું ભોજન લેતા થઈ ગયા છે. જેથી લોકોને જે સામાન્ય બીમારીઓ થતી હતી તેમાં ઘટાડો થયો છે તેથી હોસ્પિટલે આવતા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ ચોમાસા દરમિયાન માઝા મૂકતા હતા તેની સંખ્યામાં પણ હાલ ઘટાડો જોવા મળ્યો છે. જૂન જુલાઈ બે મહિના દરમિયાન જિલ્લામાં કુલ 4,286 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં માત્ર મેલેરિયાનો એક જ કેસ જૂન માસમાં નોંધાયો છે. જ્યારે ડેન્ગ્યુના બે મહિનામાં કુલ 42 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ આ બે માસમાં એક પણ ડેંગ્યુનો પોઝીટિવ કેસ નોંધાયો નથી.

સીઝનલ બીમારીના દર્દીઓમાં ઘટાડો

જો કે, જાન્યુઆરી માસમાં ડેંગ્યૂના 21 જેટલા કેસ સામે આવ્યા હતા પરંતુ, હાલમાં આ તમામ કેસ રિકવર થઇ ગયા છે તો બીજી તરફ વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં શરદી ખાંસી તાવ તેમજ ઝાડા-ઊલટીના સામાન્ય દિવસોમાં આવતા દર્દીઓની સંખ્યા અઢીસો કરતા પણ વધુ હતી પરંતુ, કોરોના શરૂ થયા બાદ એટલે કે, જુલાઈ માસની 1 તારીખથી 22 તારીખ સુધી સરેરાશ 90 દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. જ્યારે તારીખ 22 બાદ આજ દિન સુધીમાં સરેરાશ સંખ્યા 40થી 50 ઉપર પહોંચી છે. એટલે કે, જે દર્દીઓ તપાસ માટે આવતા હતા તેમા પણ ચોક્કસપણે ઘટાડો નોંધાયો છે.

સીઝનલ બીમારીના દર્દીઓમાં ઘટાડો

તો બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર માટે આવતા દર્દીઓ ડરી રહ્યા છે કારણ કે, સામાન્ય શરદી-ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓને પણ માનસિક રીતે ડર હોય છે કે, ક્યાંક તેઓને કોરોના નથી થઈ ગયો. જેને લઇને પણ લોકો હોસ્પિટલ સુધી પહોંચતા ડરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોનું કહેવું છે કે, લોકો પોતાના આરોગ્ય અંગે દરકાર કરતા થયા છે. ફાસ્ટ ફૂડ ખાનારો વર્ગ હાલ પોતાના ઘરની રોટલી ખાતો થઈ ગયો છે જેને લઇને પણ પેટની બીમારીઓ અને સામાન્ય શરદી-ખાંસી અને તાવ જેવી બીમારી જૂજ પ્રમાણમાં લોકોમાં જોવા મળી રહી છે.

સીઝનલ બીમારીના દર્દીઓમાં ઘટાડો

મહત્વનું છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો આંક 850 ઉપર પહોંચ્યો છે જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 610 જેટલા લોકો કોરોના જેવી મહામારી સામે લડીને સાજા થયા છે. જો કે, સામાન્ય દિવસોમાં ચોમાસા દરમિયાન અન્ય બીમારીઓ પણ માઝા મૂકતી હોય છે પરંતુ, આ વખતે લોકો તકેદારી રાખતા આ બીમારીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તેમના દર્દીઓ પણ હવે હોસ્પિટલ સુધી આવતા ઓછા થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details