- બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા વલસાડની યુવતી દ્વારા અનોખી પહેલ
- આ યુવતી બાળકોને પૂરી પાડી રહી છે. ડ્રોઈંગ અને પેઇન્ટિંગનું પ્રશિક્ષણ
- વિદેશથી પણ અનેક રસિકો જોડાઇ છે તેમના ઓનલાઇન ક્લાસમાં
વલસાડ: કોરોનાના ડરના કારણે હજુ સુધી સ્કૂલ શરૂ થઇ શકી નથી. જેના કારણે બાળકો ઘરે બેસીને કંટાળી રહ્યા છે. અને તેમનો માનસિક વિકાસ રૂ્ંધાઇ રહ્યો છે. તેમના આ રૂંધાતા માનસિક વિકાસને ખીલવવા માટે હાલ ડ્રોઇંગ અને આર્ટ્સ ક્લાસ ખૂબ ઉપયોગી નિવડી રહ્યા છે. એવું વલસાડના જાણીતા ડ્રોઇંગ અને ક્રાફ્ટ ટ્યુટર સોનલ બલસારાએ જણાવ્યું છે.
રસ ધરાવતા લોકોનો આપે છે ડ્રોઇંગ અને કલાકૃતિની ટ્રેનિંગ
લોકડાઉન અને પછી હવે અનલોકમાં પણ બાળકો ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે. જેનાથી બાળકો કંટાળી રહ્યા છે. ત્યારે ડ્રોઇંગ અને ક્રાફ્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના આર્ટસ ક્લાસ તેમના માનસિક વિકાસને ખીલવવામાં તેમજ તેમને પ્રવૃત્તિમય રાખવામાં ખૂબ ઉપયોગી બની રહ્યા છે. વલસાડમાં હાલ આવા આર્ટસ ક્લાસની ભારે બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતના જાણીતા ગૃપ માઇસ્ટ્રોઝમાં આર્ટ એજ્યુકેટરની સેવા આપતા સોનલ બલસારા લોકડાઉનથી બાળકો માટે ઓનલાઇન ક્લાસ ચલાવી રહ્યા છે. તેઓ બાળકોને જ નહી, પરંતુ રસ ધરાવતા મોટેરાઓને પણ અનોખી રીતે ડ્રોઇંગ અને અન્ય કલાકૃતિનું નિર્માણ શીખવી રહ્યા છે. શહેરના બાળકો જ નહી પરંતુ જાણીતા ડોક્ટરો, નોકરિયાત મહિલાઓ તેમજ ગૃહિણીઓ પણ તેમના ક્લાસમાં જોડાય છે અને અવનવા ડ્રોઇંગ અને કલાકૃતિ બનાવવાની ટ્રેનિંગ લઇ રહ્યા છે. આ સિવાય ઇન્ડિયાના ખૂણે ખૂણાથી અને દુબઇથી પણ અનેક રસિકો તેમના ઓનલાઇન ક્લાસમાં જોડાઇ રહ્યા છે.
કોરોના કાળમાં ડ્રોઇંગ અને ક્રાફ્ટ થકી બાળકોનો માનસિક વિકાસ ખીલવતી વલસાડની યુવતી તેમની ટેકનિક યુટ્યુબ પર આવતા વિદેશી આર્ટ્સ શિક્ષકો કરતાં ખુબ જુદી
વલસાડના સોનલ બલસારા ઇમ્પાસ્તો પેઇન્ટીંગ, એક્વા કલર પેઇન્ટીંગ, કોફી પેઇન્ટીંગ, અંબ્રેલા પેઇન્ટીંગ, ફ્લુઇડ આર્ટ, સોસ્પેશો, હોમ ડેકોર, કીડ ક્રાફ્ટ વગેરેના ઓનલાઇન કોર્ષ કરી રહ્યા છે. તેમની ટેકનિક યુટ્યુબ પર આવતા વિદેશી આર્ટ્સ શિક્ષકો કરતાં ખુબ જુદી જ જોવા મળી રહી છે. તેઓ સરળ રીતે નિષ્ણાત ન હોય તેમની પાસેથી પણ ખુબ સારું પેઇન્ટ કરાવતા થયા છે. મનોવિજ્ઞાન મુજબ ચિત્રમાં રહેલ રંગો અને તેની સાથે કામ કરવાથી મન પ્રફુલ્લિત બને છે અને દરેક રંગ પોતાની એક આગવી છાપ વ્યક્તિના મન ઉપર અંકિત કરી શકે એમ છે. ત્યારે બાળકોને માનસિક શકિત ખીલવવા માટે ચિત્રકલા ઉપયોગી થઇ પડે એમ છે.