વલસાડઃ જિલ્લાના વાપીમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસમાં બુધવારે બીજા દિવસે પણ એકસાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાપીમાં શાકભાજીના વેપારી અને કોરોના પોઝિટિવ દર્દીના પત્ની, પુત્ર અને ભાઈના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જ્યારે ગોદાલનગરમાં કોરોનાગ્રસ્ત પરિવારમાં પણ ફરી વધુ 2 કેસ અને કોસંબામાં 1 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 34 પોઝિટિવ કેસ નોંધાયા છે.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં મંગળવાર સુધી 28 કેસ નોંધાઈ ચૂક્યા બાદ બુધવારે આ આંકડો 34 પર પહોંચ્યો છે. જિલ્લામાં લોકડાઉન 4.0માં કેસનો વધારો નોંધાયો છે. જેમાં વાપીના જ 20 કેસ છે. લોકડાઉન 3.0 સુધીમાં જિલ્લામાં 6 કેસ જ હતા. જેમાંથી પાંચ રિકવર થઈ જતા એક જ કેસ એક્ટિવ હતો. દરમિયાન લોકડાઉન 4.0ના શુભારંભ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થયો છે. લોકડાઉન 4.0માં વધુ 28 જેટલા કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 34 થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ આવતા દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરી દીધું છે, મળતી માહિતી પ્રમાણે, દર્દીઓના સંબંધીઓને નામ જાહેર થતા ભારે સહન કરવું પડ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.
20મી એપ્રિલે જિલ્લામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં કુલ 34 કેસો પૈકી 20 જેટલા કેસ માત્ર વાપી શહેરમાં નોંધાયા છે. વાપીના ગોદાલ નગરમાં એક જ પરિવારના 8 સભ્યો સહિત વાપી હરિયા હોસ્પિટલના વોર્ડ બોયને સંક્રમણ થયું છે. ગોદાલ નગરમાં કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવેલા માતા અને કાકી બાદ બુધવારે વધુ 2 વ્યક્તિઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ચલાના શાકભાજીના વેપારીના પરિવારમાં પણ વધુ કેસ સામે આવ્યા છે.