વડોદરા : શહેર નજીક વરણામાં પાસે એક પ્લાસ્ટિક કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. જેની જાણ વડોદરા ફાયર વિભાગને કરવામાં આવતા મકરપુરા GIDC અને ફાયર બિગ્રેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ આ પ્લાસ્ટિકનું રિ પ્રોસેસિંગ કરતી કંપની છે અને જેના વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.
ભારે જહેમત બાદ આગ પર કાબુ :વડોદરા વરણામાં ખાતે આવેલ પોલીટેક પ્લાસ્ટિક કંપનીમાં એકાએક વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા GIDC ફાયર બ્રિગેડના ઓફિસર નિકુંજ આઝાદ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જેથી ફાયરોની ચારથી પાંચ ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. તેમજ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને કંપનીના પ્લાસ્ટિકના વેસ્ટેજ કચરાના કારણે આગ લાગી હતી. - નિકુંજ આઝાદ (મકરપુરા GIDC ફાયર બ્રિગેડ ઓફિસર)