વડોદરા :શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીરા પર વર્ષ 2018માં દુષ્કર્મ, પોક્સો અને એટ્રોસીટી એકટના ગુનામાં વડોદરા કોર્ટે દોષિત કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડને 10 વર્ષની સખ્ત કેદ અને 5 હજારના દંડનું ફરમાન કર્યું છે. જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનાર સગીરાને કંપેન્સેશન સ્કીમ જોગવાઈ પ્રમાણે વળતર પેટે 50 હજાર ચુકવવાનો હુકમ કર્યો છે.
લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો :તાલુકાના કોયલી-સિંધરોટ રોડ પર આવેલી અવધ વિહાર સોસાયટીમાં રહેતા કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડ (ઉ.24) 24 ફેબ્રુઆરી 2018ના રોજ સવારે 10 વાગ્યે સગીરાને લગ્ન કરવાના ઇરાદે ફોસલાવીને ભગાડીને લઈ ગયો હતો. ભગાડીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોસ્કો, અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરીયાદના આધારે જવાહરનગર પોલીસે આરોપી કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડ સામે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો :Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ, કપરાડા તાલુકા પંચાયત પૂર્વ સભ્યનું મોત
કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી :આ દરમિયાન પોલીસે ભોગ બનનાર સગીરા અને આરોપીના કપડા કબજે કર્યા હતા. તેમજ પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું કર્યું હતું. ઉપરાંત પોલીસે નિવેદન લઈને મોબાઇલ અને બાઇક કબજે કર્યું હતું. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરીને તેના નમૂના FSLમાં તપાસ માટે મોકલ્યા હતા. ત્યારબાદ આરોપી કિરીટસિંહ રાઠોડની ધરપકડ કરીને તેની સામે પુરાવાઓ એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો :Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની કડી મળી
આખરે સજાનું એલાન :અધિક સેશન્સ જજ એમ.એમ. સૈયદની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષના વકીલે દલીલો કરી હતી. કોર્ટે આ કેસમાં આરોપી કિરીટસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યો હતો. દુષ્કર્મ અને પોક્સોના કેસમાં દોષિત ઠેરવી કિરીટસિંહ પર્વતસિંહ રાઠોડને 10 વર્ષની સખત કેદ અને 5 હજારના દંડનું ફરમાન કર્યું હતું. જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને કંપેન્સેશન સ્કીમ જોગવાઈ આધારે વળતર પેટે 50 હજાર ચુકવવાનો હુકમ જારી કર્યો હતો.