- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હોસ્પિટલોને આપી કડક ચેતવણી
- રાજ્યભરમાં કોરોના દર્દીઓ માટે પુરતા બેડ ઉપલબ્ધ છે
- દર્દીઓને લૂંટતી લેબોરેટરી પણ બંધ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે
વડોદરા:શહેરમાં કોરોના પોઝિટિવ કેસો વધતાની સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શનિવારે વડોદરા ખાતે દોડી આવ્યા હતા. બપોરથી જ ચૂંટાયેલા પ્રતિનિધી, OSD, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડે બંધ બારણે મિટીંગ શરૂ કરી દીધી હતી. લગભગ 6 કલાક ચાલેલી મિટીંગ બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં હોસ્પિટલમાં બિનજરૂરી દાખલ કરવામાં આવેલા દર્દીઓની તપાસ કરવા મામલે કમિટીની રચના કરી હોવાનું જણાવ્યું હતું અને જો કોઇએ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તેમની સામે એપીડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો:કોરોના બેકાબૂ થતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અધિકારીઓ સાથે યોજી બેઠક
ભાજપનાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓ દ્વારા રાજ્યમાં નાગરિકોને નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે
વડોદરા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે કોરોના સામેની કાર્યવાહી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે વહીવટી તંત્ર દ્વારા વિધાનસભા મતવિસ્તાર દીઠ બે જાહેર કોવિડ ટેસ્ટીંગના કેમ્પ કરાશે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. તેની સાથે ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઇ વ્યક્તિને પ્રાથમિક લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવે તો તેવા કિસ્સાઓમાં ઘરમાં આઇસોલેશનમાં રહેવું મુશ્કેલ બની જાય છે અને કોરોનાનો ચેપ પ્રસરવાનો ભય પણ રહે છે. તેવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે શહેરમાં આવેલા 4 અતિથી ગૃહોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. જેમાં તબીબી સારવાર અને નાસ્તો-જમવા સહિતની સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.