વડોદરાઃ વડોદરામાં ત્રીજી નેશનલ માસ્ટર ગેમ્સ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. 5થી 9 ફેબ્રુઆરી દરમિયાન બાસ્કેટબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ, બેડમિન્ટન, વોલીબોલ, હેન્ડ બોલ, એથ્લેટિક્સ, શૂટિંગ, હોકી, ફૂટબોલ, આર્ચરી જેવી 14 રમતો માંજલપુર-સમા સ્પોર્ટ્સ કોમ્પ્લક્સ,અકોટા સ્ટેડિયમ અને MSU પેવિલિયન ખાતે રમાશે.
વડોદરાના માંજલપુરમાં નેશનલ માસ્ટર ગેમ્સનો પ્રારંભ
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્લેક્સ ખાતે નેશનલ માસ્ટર ગેમ્સનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત નેશનલ માસ્ટર ગેમ્સનું ઉદ્ઘાટન ખેલ પ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવેલા લગભગ 6 હજાર ખેલાડીઓ અલગ-અલગ 14 રમતોમાં ભાગ લેશે.
30 વર્ષથી 100 વર્ષની ઉમરના 6 હજાર ખેલાડીઓએ નેશનલ માસ્ટર ગેમ્સ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ પ્રસંગે રાજ્યના ખેલ પ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત હવે રમતવીરોની ભૂમિ બની છે. ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડ અને હરમીત દેસાઈએ એશિયન ગેમ્સમાં રાજ્યને ગૌરવ અપાવ્યું છે. માસ્ટર ગેમ્સમાં 30થી 100 વર્ષના ખેલાડીઓને રમવાની તક મળી છે. 80થી વધુ ઉમરના 48 ખેલાડીઓ નેશનલ માસ્ટર ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે. ફિટ ઇન્ડિયા ’તંદુરસ્ત પેઢી અને મજબૂત રાષ્ટ્ર ઘડતરમાં મહત્ત્વનો પડાવ બની રહેશે.
જાપાનના પ્રતિનિધિઓ દ્વારા નેશનલ માસ્ટર ગેમ્સનું નિરીક્ષણ કરાશે અને જાપાનમાં 2021માં ફેબ્રુઆરીમાં યોજાનાર ઈન્ટરનેશનલ માસ્ટર ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી વડોદરાથી થશે. ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના પ્રધાન યોગેશ પટેલ, મેયર ડૉ, જીગીષાબેન શેઠ, ધારાસભ્યો, પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર, માસ્ટર ગેમ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ ભરત ડાંગર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.