કુંદન યાદવનું રસ્ટીકેશન રદ કરી તેને અભ્યાસ કરવા દેવા ચુકાદો આપ્યો વડોદરા : શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે 9 મહિના અગાઉ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે વિદ્યાર્થીઓનું વાર્ષિક એક્ઝિબિશન યોજાયું હતું. જેની તૈયારીના ભાગરૂપે ફેકલ્ટીના કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ અખબારોના સમાચારોમાંથી જે સમાચારો દુષ્કર્મને લગતા હતા તેના કટીંગમાંથી હિન્દુ દેવીદેવતાઓના ચિત્ર તૈયાર કર્યા હતા. આ ચિત્રો એક્ઝિબિશનમાં મુકાય તે પહેલા જ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવામાં આવ્યો : દેવીદેવતા અને દુષ્કર્મ કટિગ ચિત્ર વિવાદ થતાં વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે આ મામલે સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, હિન્દુ દેવીદેવતાઓના વિવાદાસ્પદ ચિત્ર બનાવનાર વિદ્યાર્થી કુંદન યાદવને રસ્ટિકેટ કરવામાં આવે છે. તેમજ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીનને શોકોઝ નોટીસ આપવામાં આવી હતી. આ મામલે હિન્દૂ સંગઠનો દ્વારા પણ ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે એમ એસ યુનિવર્સિટીના સતાધીશો સામે અનેક સવાલો પણ ઉભા થયા હતા.
આ પણ વાંચો MS University Controversy: યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ નમાઝ પઢતાં વિવાદ, ધાર્મિક પ્રવૃત્તિ પર લગાવાઈ રોક
આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ : આ ઘટના અંગે એમ એસ યુનિવર્સિટી દ્વારા સત્યશોધક સમિતિની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે વિવાદિત ચિત્રો બનાવનાર ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી કુંદન યાદવને યુનિવર્સિટીએ રસ્ટિકેટ કરી નાખ્યો હતો. જ્યારે ફેકલ્ટીના ડીન જયરામ પોન્ડુવાલને કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. તેમજ આ મામલે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમનો જવાબ આવી ગયા બાદ આ બાબતે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. હિન્દુ દેવી-દેવતાઓના વિવાદાસ્પદ ચિત્રો બનાવવા મામલે વિદ્યાર્થી કુંદન યાદવ સામે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટે હુકમ ફરમાવ્યો: આ મામલે વિદ્યાર્થી દ્વારા આ મામલો ગુજરાત હાઈકોર્ટેમાં પોહચ્યો હતો. આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે એમ એસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અયોગ્ય ઠેરવી હતી. હાઇકોર્ટે એમ એસ યુનિવર્સિટીને નોટિસ ફટકારી છે અને કુંદન યાદવ ફરી અભ્યાસ કરી શકશે તેવો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો MSU ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદ : ABVP દ્વારા ઉગ્ર વિરોધના પગલે યુનિવર્સિટી પરિસરમાં શી બની ઘટના જાણો
આખરે ન્યાય મળ્યો: આ અંગે કુંદન કુમારના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે કુંદનને એમ એસ યુનિવર્સિટી દ્વારા રસ્ટીકેટ કર્યા બાદ તેની એક પણ વાત સાંભળવામાં આવી નહોતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેને લઇ હાઇકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કુંદન કુમારના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. અને એમ એસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ રસ્ટીકેટ મામલે ગુજરાત હાઈકોર્ટે રદ કરી અને ફરીથી તે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે તેવો હુકમ જારી કર્યો હતો.