વડોદરાઃ સરકારી પરીક્ષાઓ લેવામાં આવી રહી હોય ત્યારે તેના સમયસર પરિણામની પરીક્ષાર્થીઓ ચાતકની નજરે રાહ જોતા હોય છે, કારણ કે તેના ઉપર તેમની કારકિર્દીનો આધાર રહેતો હોય છે. બીજી તરફ કેટલીકવાર પરીક્ષાઓ રદ કરી દેવાય છે, તો ક્યારેક પરિણામોમાં વિલંબ થાય છે. જીસ્લેટની પરીક્ષાને પત્યે બે માસ જેટલો સમય થઈ જવા છતાં પરિણામ જાહેર ન થતાં પરીક્ષાર્થીઓ આવી મૂંઝવણ અનુભવી રહ્યાં છે.
જીસ્લેટના પરિણામ વિલંબના મુદ્દે MS યુનિવર્સિટીના સેનેટ સભ્યએ આપ્યું આવેદનપત્ર - એમ એસ યુનિવર્સિટી
જી-સ્લેટની પરીક્ષા લેવાઈ ગયાંને બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિણામ જાહેર ન કરાતાં એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોશીએ વડોદરાના જીસ્લેટ કેન્દ્રમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આ મુદ્દાને લઇને એમ.એસ. યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોશીએ વડોદરા ખાતે આવેલા જી-સ્લેટના કેન્દ્રમાં ધી મેમ્બર સેક્રેટરી પ્રોફેસર સી.એન.મૂર્તિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, જી-સ્લેટની પરીક્ષાને 60 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં તેનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં નથી.
ઓએમઆર પદ્ધતિથી લેવાયેલી પરીક્ષામાં કમ્યુટરમાં તરત જવાબ મળી શકે તેમ હોય છે, તો શા માટે પરિણામમાં વિલંબ થઇ રહ્યો છે. રાજ્યભરમાંથી પરીક્ષા આપનાર 25 હજાર ઉમેદવારો પરિણામની રાહ જોઇ રહ્યાં છે, તો તાત્કાલિક ધોરણે પરિણામો જાહેર કરવામાં આવે તેવી માગણી કરી હતી.