વડોદરા :મધ્ય ગુજરાતનમાં ડભોઇ તાલુકાના કરનાળી ખાતે ધનકુબેરનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભગવાન કુબેરના દર્શન કરવા માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા હતા. ગુરુવારી અમાસનો યોગ આવ્યો છે, જેના કારણે હજારોની સંખ્યામાં ભક્તો કુબેરના દર્શન કરવા માટે મંદિરમાં દર્શનાર્થે ઉભરાયા છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી. સાથે જ દર્શન કરવા આવેલા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ધન કુબેર શા માટે ?હિન્દુ શાસ્ત્ર કથા અનુસાર કુબેર રાવણના સાવકા ભાઈ હતા. રાવણે ભગવાન શિવજીનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે રાવણે પોતાના ભાઈ કુબેર ઉપર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કરી લંકામાંથી બહાર કાઢ્યા હતા. કુબેર પણ ભગવાન શિવજીના જ ભક્ત હતા. લંકામાંથી કાઢ્યા બાદ તેઓ નર્મદા કિનારે પહોંચ્યા અને ત્યાં તેમણે શિવજીનું તપ શરૂ કર્યું હતું. જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે અહીં પણ કુબેરને હેરાન કર્યા હતા. છેલ્લે કુબેર કરનાળી ગામે આવી ત્યાં મહાકાળીની શરણ લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી હતી. કથા અનુસાર શિવજી તપથી પ્રસન્ન થયા પરંતુ લંકાનું રાજ પાછું ન આપી શક્યા. પરંતુ કુબેરનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી-દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો હતો. તે દિવસથી કુબેર ભંડારી ધન કુબેરના નામથી ઓળખાય છે.
કુબેર ભંડારી મંદિર : કુબેરે શિવજીનું તપ કરતા શિવજી પ્રસન્ન થયા હતા. ભગવાન શંકરે તેમને પોતાના સમક્ષ સ્થાન આપી કહ્યું હે, ધનના દેવ કુબેર તમારા ભક્તિભાવથી હું પ્રસન્ન થયો છું. તમારા આ સ્થળ ઉપર જે ભક્ત સાચા હૃદયથી દર્શન કરી અમુક અમાસ ભરશે એમની મનોકામના પૂરી થશે. વ્યક્તિને જીવનમાં સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, જેના કારણે તે પોતાના જીવનથી નિરાશ થઈ જાય છે. અમાસના દિવસે તમે દર્શન કરો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય.