વડોદરા/કરજણ: ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ આજે ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલાં તેમણે સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતાં. જેમાં કોવિડ ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. સભા બાદ કિરીટસિંહે શક્તિ પ્રદર્શન કરવા વાહન રેલી પણ યોજી હતી.
કરજણ પેટા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ભર્યું નામાંકન, કોવિડની ગાઇડ લાઇન્સના ધજાગરા ઉડ્યા
વડોદરા જિલ્લાની કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ આજે ગુરુવારે પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે સરકારી ઓફિસમાં કોંગ્રેસી કાર્યકરોના ટોળા ભેગા થઈ જતાં સરકારી કચેરીમાં જ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.
કરજણ શિનોર વિધાનસભાની ચૂંટણીનાં જંગમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ ચૂંટણી રસપ્રદ બની રહેશે તેમ લાગી રહ્યું છે.
કરજણ પ્રાંત ઓફિસ ખાતે ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ દિલુભા જાડેજાએ કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા, સંગ્રામ સિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, નિલાબેન ઉપાધ્યાય, વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ઉપપ્રમુખ મુબારક પટેલ સહિતના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.