- વડોદરામાં દર્દીનાં સ્વજને ડોક્ટરને માર મારતાં હોબાળો
- ઓપરેશન બાદ પણ સારું ન થતાં દર્દીનાં સ્વજન ઉશ્કેરાયા
- 3500 ડોક્ટર્સ ઓપીડી બંધ રાખી વિરોદ્ધ કરશે
વડોદરા :વારસિયા વિસ્તારમાં આવેલી કિડની હોસ્પિટલના તબીબ પર એક દર્દીના 2 પરિવારજનો દ્વારા હમલો કરવામાં આવ્યો હતો. ઓપરેશન કર્યા બાદ પણ દર્દીની તબિયત ઠીક ન થતાં પરિવારજનોએ તબીબ પર હુમલો કર્યો હતો. જે અંગે તબીબ વારસિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.
સખત કાર્યવાહી કરવા માંગ
વડોદરાના અનેક તબીબ સંગઠન આ વર્તન વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગ સાથે આગામી દિવસોમાં હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. આ ગુરુવારના રોજ 3500 ડોક્ટર દ્વારા OPD ચેકઅપ બંધ કરાશે અને ઇમરજન્સી સારવાર જ ચાલુ રાખશે. જ્યાર સુધી તબીબને ન્યાય ના મળે ત્યાં સુધી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પર ઉતરશે તેવી ચીમકી આઇ.એમ.એ. એસોસિએશનને ઉચ્ચારી છે.
વડોદરામાં દર્દીનાં સ્વજનોએ ડૉક્ટરને માર મારતાં હોબાળો ફક્ત એક જ વાર તબીબ જોડે સલાહ લીધી હતી
મધ્યપ્રદેશના રહેતા યશવંત સિંગ રાઠોડ ચાર મહિના અગાઉ ડોક્ટર પ્રતીક શાહ પાસે ઈલાજ માટે આવ્યા હતા. તેમનું તબીબ દ્વારા ઓપરેશન કરી સમયસર ચેકઅપ માટે આવવા માટેની સલાહ આપવામાં આવી હતી. યશવંત સિંગ રાઠોડ દ્વારા ફક્ત એક જ વાર તબીબ જોડે સલાહ લેવામાં આવી હતી. ચાર મહિના બાદ તેમની તબિયત લથડતા દર્દીના પરિવારજનો સાંજે 7:30 વાગ્યે તબિયત પ્રતીક શાહના હોસ્પિટલે પહોંચ્યા હતા. તબીબ પ્રતીક શાહ પાસે યોગ્ય રીતે સારવાર ન કરી તેવો આક્ષેપ કર્યો હતો. ઉશ્કેરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ પર હોબાળો મચાવ્યો હતો. તબીબને રાજેન્દ્ર રાઠોડે બે લાફા ઝીંકીં દીધા હતા. આ સંદર્ભે વડોદરાના કરણી સેના પણ તબીબને ન્યાય મળે તે હેતુસર જોડાયા હતા. યશવંત સિંગ હાલ મધ્ય પ્રદેશ સ્થિત રહે છે અને તેમની તબિયત ગંભીર હોવાનું પરિવારજનો કરી રહ્યા છે.
વારસિયા પોલીસ સ્ટેશનમાં બે વિરુદ્ધ મેડિકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ જણાવ્યું હતું કે, આવા પ્રકારના હુમલાઓ વારંવાર તબીબ ઉપર થતા હોય છે. જેથી 2012 મેડિકલ એક્ટ હેઠળ અને પેંડામિક એક્ટ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જેથી તબીબ સુરક્ષિત મહેસૂસ કરે. હાલ વારસિયા પોલીસ સ્ટેશન દ્વારા બે વિરુદ્ધ મેડિકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.