વડોદરા : કોર્પોરેશનમાં વર્ષોથી કામ કરતાં સફાઈ કામદારોએ અનેક પડતર પ્રશ્નો મુદ્દે તંત્ર સામે જંગ છેડી છે. જેમાં કાયમી કરવાની માંગણી સાથે સફાઈ કર્મચારીઓની ન્યાય મંદિર ખાતેથી વિશાળ રેલી યોજાઈ હતી. તેમજ હાથમાં ઝાડુ, પ્લે કાર્ડ, અને બેનરો સાથે કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.
વડોદરામાં સફાઈ કામદારોએ વિરાટ વિરોધ રેલી સાથે રામધૂન બોલાવી
વડોદરામાં પડતર પ્રશ્નોની માંગ સાથે શહેરના સફાઈ કામદારોએ વિરાટ વિરોધ રેલી સાથે પાલિકાના પટાંગણમાં ધરણાં પ્રદર્શન કરી રામધૂન બોલાવી હતી. જેમાં કર્મચારીઓ હાથમાં ઝાડુ, પ્લે કાર્ડ, અને બેનરો સાથે રેલીમાં જોડાયા હતા.
આ રેલીમાં ભારે સુત્રોચ્ચારો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. તેમજ ઉગ્ર વિરોધ સાથે સફાઈ કર્મચારીઓનો વિરાટ મોરચો કોર્પોરેશન કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં ધરણાં કરી કર્મચારીઓએ ઢોલક મંજીરા સાથે રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સફાઈ કર્મચારીઓના ધરણાંથી સામાન્ય સભામાં પહોંચવા કાઉન્સિલરોને ભારે હાલાકી થઈ હતી. સફાઈ કર્મચારીઓએ કોર્પોરેશન સામે જંગના મેદાનમાં ઉતરી પડયા હતા. તેમજ મોડી રાત સુધી ધરણાં યથાવત રાખ્યા હતા. તથા સતત રામધૂન બોલાવી ભર નિંદ્રા માણી રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
અત્રે,ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષના હોદ્દેદારો ભૂલી બેઠા છે કે, સ્માર્ટસિટી નામ આપનાર તમે હશો પણ આખા શહેરની સાફ સફાઈ કરતા આ કામદારો છે. જે વર્ષોથી ફરજ બજાવે છે. છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. ત્યારે જો હવે પછીના સમયમાં આ સફાઈ કામદારો શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઝાડુ મારવાનું છોડી દેશે તો શું પરિસ્થિતિ સર્જાશે. તે તો આવનાર સમય જ બતાવશે.