વડોદરા: શહેર તેમજ અન્ય શહેરોમાં પેટ્રોલ પંપના માલિકોને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાની કિંમતનું ડિઝલ ખરીદી નાણાં નહિં આપી છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે રૂપિયા 59.50 લાખની છેતરપિંડીની જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચે સુત્રધાર દર્શન પંચાલ અને તેના સાળાની અમદાવાદથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ આ ટોળકી દ્વારા કરોડો રૂપિયાનું ડીઝલ ખરીદી છેતરપીંડી કરી હોવાની ફરિયાદો નોંધાઈ છે.
લાખોની છેતરપીંડી:આ ટોળકી દ્વારા શહેર જિલ્લામાં વિવિધ પેટ્રોલપંપ માલિકો સાથે વિશ્વાસમાં લઈ પેટ્રોલ પંપો ઉપર ખોટા વર્ક ઓર્ડરો બતાવીને લાખ્ખો રૂપિયાનું ડિઝલ દર્શન પંચાલ અને તેની ટોળકી ઉધારમાં લેતી હતી અને ઓછા રૂપિયામાં વહેંચી મારતી હતી. આ ટોળકીના ત્રાસથી અનેકવાર પેટ્રોલપંપ માલિકોએ ફરિયાદો નોંધાવી છે અને પોલોસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી છે. આ રીતે છેતરપીંડી કરનાર ઈસમો દર વખતે અલગ અલગ પેટ્રોલપંપ માલિકને શિકાર બનાવતા હતા.
ક્રાઇમબ્રાન્ચે બેની ધરપકડ કરી: પોલીસ ફરિયાદને આધારે ઠગ ટોળકીના બે આરોપીઓની ઘરપકડ થઈ છે. શહેર ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એફ. ચૌધરી અને તેમની ટીમ દ્વારા ભેજાબાજ દર્શન પ્રફુલભાઇ પંચાલ (રહે. પંચાલ ફળીયું, રણોલી, વડોદરા) અને તેના સાળા દર્શન ભીખાભાઇ પંચાલ (રહે. ત્રિવેણીવિશ્વ, બાકરોલ-વડતાલ રોડ,આણંદ)ની અમદાવાદથી ધરપકડ કરી હતી.
શિક્ષક તરીકે આપી હતી ઓળખ: જવાહરનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના ન્યુસમા રોડ ખાતે રહેતા સત્યનેભાઈ રાજગોર રણોલી ખાતે આવેલ ઓમ શ્રી ગણેશ પેટ્રોલિયમ પંપ ઉપર મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, 1 ડિસેમ્બર 2022 થી 5 ડિસેમ્બર 2022ના સમયગાળા દરમ્યાન દર્શન પંચાલ, આકાશ પંચાલ તથા તેના પિતા ભીખાભાઈ પંચાલ આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જંબુસર પાસે ગજેરા ગામની શાળામાં શિક્ષક તરીકેની આપી હતી. વિશ્વાસ માટે કોરા ચેક પર સહી કરી આપી: આદિત્ય કન્સ્ટ્રક્શન લિમિટેડ નામની કંપનીને બુલેટ ટ્રેન કન્સ્ટ્રક્શનનું મોટું કામ મળ્યું છે. જેના સબ કોન્ટ્રાક્ટર તરીકે તેમણે વર્ક ઓર્ડર દર્શાવ્યો હતો. અને ડમ્પર તથા બીજા વાહનો સાઇટ ઉપર ચાલતા હોય પ્રતિદિન 2 હજારથી 5 હજાર લિટર સુધી ડીઝલની જરૂરિયાત જણાવી હતી. જેથી ખાતું ખોલવાની વાત કરતા રણોલીમાં રહેતા તેના બનેવી દર્શન પંચાલ, તેની પત્ની, દર્શનના પિતા પ્રફુલભાઈ, પેટ્રોલપંપ પર આવ્યા હતા. અને પોતે ફેબ્રિકેશનનું કારખાનું ચલાવતા હોવાનું જણાવી અમે બધા ફેમિલી તથા ધંધાના ભાગીદારો છીએ તેમ જણાવી બાહેધરી આપી હતી. અને વિશ્વાસ માટે કોરા ચેક પણ સહીઓ કરી આપી રાખ્યા હતા.
ફોન પર ધમકાવ્યાઃ ત્યારબાદ નવ્યા કોર્પોરેશનના ભાગીદાર તરીકે માલિક દિલીપ વણઝારા, ડ્રાઇવર ભાઈલાલભાઈ, ડ્રાઇવર પંકજભાઈ રેગ્યુલર ડીઝલ લઈ જતા હતા. અને 27 ડિસેમ્બર 2022 થી 10 ફેબ્રુઆરી 2023 સુધી ડીઝલ મેળવ્યું હતું. રૂ.1,71,78,467 બિલની એમાઉન્ટ સામે રૂ. 1,12,28,467 ની રકમ જમા કરાવી છે. જ્યારે બાકીના રૂ.59.50 લાખ આજદિન સુધી ચૂકવ્યા નથી. જેથી બાકી રૂપિયાની ઉઘરાણી કરતા દર્શન પંચાલે જણાવ્યું હતું કે, મારી પાસે એવા માણસો છે કે તમારી શાન ઠેકાણે લાવે. ત્યારબાદ રાહુલસિંઘ ઠાકુર નામની વ્યક્તિએ ફોન કરી, ઉઘરાણી કરી દર્શન પંચાલ ને કેમ પરેશાન કરો છો જીવતા રહેવું હોય તો નાણાંની ઉઘરાણી માટે ફોન કરશો નહીં તેવી ધમકી આપી હતી.
કોની સામે થઈ ફરિયાદ: આ કૌંભાડમાં દર્શન ભીખાભાઈ પંચાલ, ભીખાભાઈ શંકરભાઈ પંચાલ, આકાશ ભીખાભાઈ પંચાલ (ત્રણેવ રહે- ત્રિવેણી વિશ્વ, બાકરોલ ,વડતાલ રોડ ,આણંદ), દર્શન પ્રફુલભાઈ પંચાલ, શ્વેતા દર્શન પંચાલ, પ્રફુલ મણીભાઈ પંચાલ (ત્રણેવ રહે-પંચાલ ફળિયુ, બેંક ઓફ બરોડાની સામે, રણોલી), મયંક સુમન પંચાલ (રહે- લક્ષ્મી પાર્ક, મીરા એવન્યુ પાસે, આણંદ), જીનીત વનરાજ દિવેચા (રહે- પ્રમુખ ટાઉનશીપ, વડતાલ રોડ, આણંદ), પ્રતીક પટેલ અને રાહુલસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે.
મિટિંગ યોજી માહિતગાર કર્યા: ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ પેટ્રોલપંપ સંચાલકો દ્વારા આ ટોળકી સામે કાર્યવાહી કરવા અને આ ટોળકીથી સાવધાન રહેવા માટે એક મિટિંગ પણ યોજી હતી. આ મિટિંગમાં દરેક પેટ્રોલપંપ સંચાલકને બોલાવી આ ટોળકીથી સાવધાન રહેવું અને આ રીતે ડીઝલ ન આપવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે આ ટોળકી સામે અગાઉ અનેક ફરિયાદો કરવામાં આવી છે જેની રજુઆત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી કરવામાં આવી હતી. આખરે આ ટોળકી પૈકી 2 ઇસમોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Vadodara Crime: બિલ્ડરે મહિલા સાથે કરી 1.27 કરોડની છેતરપીંડી, મકાનના દસ્તાવેજ ન કરી આપી છેતરપીંડી આચરી
- Ahmedabad Crime : એરપોર્ટમાં નોકરી અપાવવાના નામે બંટી બબલીએ 70 લોકોના પૈસા ખંખેર્યા