- કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વડોદરા હવાઈ મથકે લવાયો
- કોંગ્રેસના અનેક દિગગજ નેતાઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા
- સલામી સાથે પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડોદરાઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું કોરોનાથી નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે તેવી શક્યતા છે. પિરામણ ગામમાં તેમની દફન વિધિની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેમદ પટેલના પાર્થિવ દેહને આજે વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે આજે સાંજે 6 કલાકે દિલ્હીથી વડોદરા હવાઈ મથકે લવાયો હતો.
અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો કોંગ્રેસના દિગગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધનાણી, શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, કોંગ્રેસના અગ્રણી નેતા મૌલિન વૈષ્ણવ, અનુજ પટેલ, કાઉન્સિલરો, સેવાદળ સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરોએ હાજર રહી અહેમદ પટેલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આવતી કાલે તેમના વતન પીરામણ ખાતે કરાશે દફન વિધિ
તેઓના દેહને પીરામણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફતે વડોદરા એરપોર્ટ ખાતેથી અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને આવતીકાલે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહેમદ પટેલના નિધનથી રાષ્ટ્રીય નેતાથી લઈ નાનામાં નાના કાર્યકર્તાઓએ પોતાનો નેતા ગુમાવ્યો હોવાની લાગણી અનુભવી રહ્યા છે.