- મોબાઈલના બોક્સમાંથી સાબુનાં બાર નિકળ્યા
- ઈ-કોમર્સ કંપની સામે માનસિક ત્રાસ માટે 25,000 રૂપિયાની માગ
- નોટિસના ખર્ચ પેટે 5000 રૂપિયાની પણ માગ
વડોદરા: બ્રહ્મભટ્ટે તેની પત્ની માટે ઓનલાઈન મોબાઈલ ઓર્ડર કર્યો હતો. 23 જાન્યુઆરીના રોજ જ્યારે તેણે પાર્સલ ખોલ્યું ત્યારે મોબાઈલના બોક્સમાંથી સાબુનાં બે બાર નીકળ્યાં હતાં. જેતલપુર રોડના રહેવાસી બ્રહ્મભટ્ટે ઑનલાઇન રિટેલ ચેન વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી નોંધાવી છે.
ઈ-કોમર્સ કંપની સામે નોંધાવી ફરિયાદ
તેમણે આ છેતરપિંડી માટે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ નોંધાવી હતી. બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદી પાસે આખી ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ છે. આ એક છેતરપિંડીની બાબત છે, તેણે ફોન માટે રૂપિયા 12,699 ચૂકવ્યા હતા. ઉપરાંત ઈ-કોમર્સ કંપની સામે માનસિક ત્રાસ માટે 25,000 રૂપિયાની પણ માગ કરી છે. જો કંપનીઓ તેની માંગણીને પૂર્ણ નહીં કરે તો તેઓ ફરીથી ફરિયાદ નોંધાવશે. વધુમાં તેમણે નોટિસના ખર્ચ પેટે 5000 રૂપિયાની પણ માગ કરી હતી. તેણે બનાવના દિવસે જ કસ્ટમર કેરનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ તેનો કોઈ લાભ થયો ન હતો.