વડોદરાઃ વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદ થયાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કલેક્ટર શાલિની અગ્રવાલને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીનો એવોર્ડ અપાયો
ગાંધીનગરમાં યોજાયેલા દશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું બહુમાન કરવામાં આવ્યું હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માન પત્ર એનાયત કર્યું હતું.
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ચૂંટણીએ લોકશાહીના આધાર સ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવાથી લઈ મતદાન કરાવવું, મતગણતરી કરાવવી અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક,સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચૂસ્ત પાલનને આધિન પ્રક્રિયા છે.
રાત દિવસ પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે એટલે આ સિદ્ધિનું શ્રેય ટીમ વડોદરાના તમામ કાર્ય નિષ્ઠા સહયોગીઓને આપુ છું. અમારા કામની કદર કરવા બદલ ચૂંટણી પંચનો આભાર માનું છું.