વડોદરા:અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ બાદ વડોદરા શહેરમાં પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ પેપર કપના ઉપયોગકર્તાઓ પર દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં પેપર કપ કબ્જે કર્યા હતા. પરંતુ જાહેરનામા વગર પેપર કપ મામલે કાર્યવાહી કરતા પાલિકાને ફસાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાની દેખાદેખી:અમદાવાદમાં પેપર કપ પ્રતિબંધ લાદવામાં આવતા જ અચાનક વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓએ ચાની લારીઓ પર ઉપયોગમાં લેવામાં આવતા 60 કિલોથી વધુ પેપર કપ કબજે કર્યા હતા. દંડનીય કાર્યવાહી કરતા 20 હજારથી વધુનો દંડ પણ ઉઘરાવ્યો હતો. પરંતુ વડોદરામાં પેપર કપ પ્રતિબંધ છે કે કેમ? અને જાહેરનામું પાલિકાએ બહાર પાડ્યું છે? તેવા સવાલ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને કરતા તેઓએ કબુલાત કરી હતી કે વડોદરામાં પેપર કપ પર પ્રતિબંધનું કોઈ જાહેરનામું બહાર જ પડ્યું નથી. કોઈ પણ પ્રકારની કાર્યવાહીના આદેશ આપ્યા નથી. જે અધિકારીઓએ દંડનીય કાર્યવાહી કરી હશે અને પેપર કપ કબજે કર્યાનું જણાશે તો તેમને પેપર કપ પરત આપવામા આવશે તેવું જણાવ્યું હતું.
આંધળું અનુકરણ કરતું VMC:સમગ્ર મામલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેપર કપ દ્વારા ફેલાતી ગંદકીને ડામવા માટે ઝુંબેશ શરૂ કરાઇ હતી. ચાની કીટલીઓ ઉપર ઉપયોગમાં લેવાતા પેપર કપને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને જાણ કર્યા વગર જ કાર્યવાહી કરવામાં આવી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અમદાવાદ પાલિકાની જેમ અંધળું અનુકરણ કરી વડોદરા મહાનગર દ્વારા પણ આ જ પ્રકારે પેપર કપ જપ્ત કરાતા હોબાળો મળ્યો હતો.