'વાયુ'થી પ્રભાવિત અસરગ્રસ્તોને મદદ મોકલવા વડોદરા જિલ્લા પ્રશાસન સજ્જ
વડોદરાઃ રાજ્યમાં જે રીતે 'વાયુ' વાવાઝોડું પાતોનું રોદ્રરૂપ બતાવી રહ્યું છે. તે જોતા વડોદરા જિલ્લા પ્રશાસને વાયુ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની શક્ય તેટલી સહાયતા યુદ્ધના ધોરણે મોકલી શકાય તે માટે સેવા, શિક્ષણ, તબીબી સંસ્થાઓ, ઔદ્યોગિક મંડળો અને સેવાભાવી નાગરિક સંગઠનોનું વોટસએપ ગ્રુપ બનાવ્યું છે. જિલ્લા પ્રશાસને વિવિધ ક્ષેત્રોમાં મદદરૂપ બનવાની નિપુણતા અને સજ્જતા ધરાવતી સંસ્થાઓની બેઠક યોજી હતી.
અત્યંત શોર્ટ નોટિસે યોજવામાં આવેલી આ બેઠકમાં શહેર-જિલ્લાની 40થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તન, મન, ધનથી શક્ય તે સહાય ઉપલબ્ધ કરાવવાની તત્પરતા બતાવી હતી. જિલ્લા કલેકટરે તેમના પ્રોત્સાહક પ્રતિભાવને બિરદાવવાની સાથે જણાવ્યું કે, વડોદરા આફતગ્રસ્તોને મદદરૂપ થવામાં સદૈવ અગ્રેસર રહ્યું છે. રાજય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા પ્રશાસને સંસ્થાઓ અને સરકારી ખાતાઓના સહયોગથી સૂકો નાસ્તો-વોટર બોટલના એક લાખ ફુડ પેકેટસ તૈયાર કર્યા છે જે વાયુમાર્ગે રવાના કરાશે રાજય સરકાર જે પ્રકારની સહાયતાની જરૂરિયાત દર્શાવે એ પ્રકારની સહાયતા મોકલવા વડોદરા પ્રશાસન સુસજ્જ છે અને વિવિધ સંસ્થાઓનો આ કામમાં નિપુણતા પ્રમાણેનો સહયોગ ખૂબ ઉપયોગી નીવડશે.