ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના વનવિભાગે 26 લાખથી વધું રોપા ઉછેર્યા - vadodara

વડોદરાઃ દેશમાં વિકાસની સ્થિરતા માટે જેટલી જરૂર માનવ વસ્તીના નિયંત્રણની છે, એનાથી ઘણી વધુ જરૂર પર્યાવરણની સ્થિરતા માટે વૃક્ષોમાં વધારો કરવાની છે. તેના માટે માત્ર જંગલમાં નહીં, પરંતુ વન વિસ્તાર સિવાયના શહેરી-ગ્રામીણ નિવાસી વિસ્તારોમાં વૃક્ષઉછેરને વેગ આપવાનું કામ વન વિભાગનું સામાજિક વનીકરણ એકમ વન મહોત્સવ હેઠળ કરે છે. ગૌરવની વાત એ છે કે, ચોમાસાના પ્રારંભે દેશભરમાં ઉજવાતો વન મહોત્સવએ ગુર્જર રત્ન કનૈયાલાલ માણેકલાલ મુનશીની ભેટ છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 9, 2019, 12:45 PM IST

સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ આ વર્ષે 70માં વન મહોત્સવ હેઠળ વિતરણ માટે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની નર્સરીઓમાં કુલ 26.10 લાખ જેટલા રોપાઓનો ઉછેર કર્યો છે. નર્સરીઓમાં ઉછેરવામાં આવેલી આ લીલી લક્ષ્મી-હરિત સંપદામાં 52 જેટલી વિવિધ પ્રકારની વૃક્ષ પ્રજાતિઓ, ફુલછોડ તેમજ અન્ય વનસ્પતિઓના રોપાઓનો કાળજીપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે. વન મહોત્સવ દરમિયાન આ રોપાઓનું વિનામૂલ્યે અને નિર્ધારીત સાવ નજીવી કિમતે લોકો, સંસ્થાઓ, શાળાઓ અને મંડળો ઇત્યાદીને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક કે.જે.મહારાજાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના ખાતાકીય રોપ ઉછેર કેન્દ્રોમાં 4.90 લાખ અને છોટાઉદેપુર જિલ્લાના ખાતાકીય રોપ ઉછેર કેન્દ્રોમાં 9 લાખ મળીને કુલ 13.90 લાખ રોપાઓ વિવિધ સાઇઝની પોલીથીલીન બેગમાં ઉછેરવામાં આવ્યા છે.

26 લાખથી વધું રોપાઓ ઉછેરાયા

આ ઉપરાંત વિકેન્દ્રીત નર્સરીઓ, ખાસ અંગભૂત કિસાન નર્સરીઓ અને એસ.એચ.જી. એસ.સી. ગ્રુપ નર્સરીઓના માધ્યમથી વડોદરા જિલ્લામાં 8.20 લાખ અને છોટાઉદેપુર જિલ્લામાં 4 લાખ મળીને કુલ 12.20 લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. ચોમાસુ સારૂ બેઠું છે તેને અનુલક્ષીને મહારાજાએ લોકો અને સંસ્થાઓને રોપ વાવેતર દ્વારા વનલક્ષ્મીનું પૂજન કરવા સુસજ્જ બનવા અનુરોધ કર્યો છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા 100 થી વધુ રોપા ઉછેરે તો તેમને વન વિભાગ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. વાવેતર પછી તેની જાળવણી માટે તેનો સામાજિક વનીકરણના યથાયોગ્ય વાવેતર મોડલમાં સમાવેશ કરવામાં આવે છે જેથી કાળજીભર્યા વૃક્ષઉછેરની ખાતરી મળે છે.

ચોમાસુ વરસાદની સાથે પર્વો, ઉત્સવો અને પૂજનની મોસમ છે. કેવડા ત્રીજ, વટસાવિત્રી જેવા વ્રતોથી ભારતીય સંસ્કૃતિએ વૃક્ષોના પૂજનની પરંપરાની ભેટ આપી છે. એ દર્શાવે છે કે વૃક્ષો પવિત્ર છે, પૂજનીય છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, વૃક્ષોમાં હું પીપળો છું તેનો અર્થ એવો થયો છે વૃક્ષો વાવવા અને ઉછેરવાએ ધર્મનું અને પુણ્યનું કામ છે. તો ચાલો આ ચોમાસે વૃક્ષો વાવીએ, ઉછેરીએ અને ધર્મ લાભ મેળવીએ. આ શુભ અને પવિત્ર કાર્યમાં સહભાગી થઈએ. જેથી આવનારા સમયમાં નવી પેઢીને ચોખ્ખી આબોહવા મળી રહે અને સ્વાસ્થ્ય સારૂ રહે.

ABOUT THE AUTHOR

...view details