વડોદરાના 2 યુવકની કતાર ખાતે શૂટિંગ ચેમ્પિયનશીપ માટે પસંદગી
વડોદરાઃ 2 શૂટર્સ-નિશાનેબાજોની શૂંટિંગ કોમ્પિટશનમાં પસંદગી થઈ છે. તેઓ આગામી સમયમાં કતારના દોહા ખાતે આ સ્પર્ધામાં ભાગ લેશે.
આગામી દિવસોમાં કતાર દેશના દોહા ખાતે 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા માટે આ એકેડેમીમાં પ્રશિક્ષણ મેળવી રહેલા 2 શૂટર્સની પસંદગી કરવામાં આવી છે.
જેમાં મિતેષ ગોહિલ, જે પિસ્તોલ શૂટર છે તેઓ 25 મીટર્સ પિસ્તોલ શૂટિંગમાં અને રાયફલ શૂટર હર્ષરાજસિંહ ગોહિલ 50 મીટર પ્રોન અને 50 મીટર થ્રિ પોઝિશનમાં નિશાનેબાજીનું આ સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવશે. રાજ્ય સરકાર દ્વારા એસ.એ.જી.ના માધ્યમથી સંચાલિત વડોદરાની શૂટિંગ એકેડેમીમાં 16 શૂટર્સ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. આ નિશાનેબાજોને એશિયન અને કોમન વેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ રમી ચૂકેલા નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, શૂટિંગની રમતમાં અચૂક નિશાનેબાજોનું સમૂચિત ઘડતર કરવા વડોદરામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા શૂટિંગ એકેડેમીનું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાળાના માર્ગદર્શન હેઠળ સંચાલન કરવામાં આવે છે.