દમણ પ્રશાસનની ST બસનો દારૂમાં ઉપયોગ
દોઢ લાખના દારૂ સાથે 17 બુટલેગરો ઝડપાયા
11 મહિલા 6 પુરુષો પાસે 35 પોટલા દારૂ
વાપી :- વાપી ટાઉન પોલીસે ગોલ્ડ કોઈન સર્કલ નજીકથી દમણ પ્રશાસનની ઇલેક્ટ્રિક ST બસની તલાશી લેતા 11 મહિલા અને 6 પુરૂષો પાસેથી 1,53,050 રૂપિયાનો 35 પોટલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુસાફરોના સ્વાંગમાં બેસેલા તમામ બુટલેગરો સુરત, નવસારી અને વલસાડના હોવાનું સામે આવ્યું છે.
મુસાફરોના સ્વાંગમાં બુટલેગરોએ કરી દારૂની હેરફેર
દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. તેમાં આવા બુટલેગરો ખાનગી વાહનો ઉપરાંત સરકારી વાહનોનો પણ ઉપયોગ દારૂ ની હેરાફેરીમાં કરી લેતા હોય છે. વાપીથી ST બસ અને ટ્રેઇન મારફતે મોટી માત્રામાં ગુજરાતના સુરત, નવસારીમાં દારૂની હેરાફેરી થાય છે. જેમાં હવે દમણ પ્રશાસને દમણથી સેલવાસ વાયા વાપી શરૂ કરેલ આધુનિક ઇલેક્ટ્રિક એરકન્ડિશન્ડ ST બસનો ઉપયોગ પણ દારૂની હેરાફેરી માટે થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વાપી ટાઉન પોલીસે દમણથી સેલવાસ જતી બસમાં 17 બૂટલેગરો ઝડપી રૂપિયા 1.5 લાખથી વધુનો દારૂ કબજે કર્યો બસના ડ્રાઇવર-કંડકટર અજાણ હતા
ટાઉન પોલીસે તાત્કાલિક આખી બસને પોલીસ મથકે લાવી ડ્રાઇવર રાકેશ હરિશ્ચંદ્ર પવાર, કંડકટર વિજય જતર થોરાટની પૂછપરછ કરતા તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. અને બસમાં તમામને મુસાફરો સમજી બેસાડ્યા હોવાની કબૂલાત કરી હતી.
11 મહિલાઓએ શાકભાજીને બદલે થેલાઓમાં દારૂ ભર્યો હતો
જ્યારે દારૂના પોટલા સાથે પકડાયેલ 11 મહિલાઓ અને 6 પુરૂષો પાસેથી પોલીસે કુલ 1,53,050 રૂપિયાની 1733 દારૂ-બિયરની બાટલીઓ કબ્જે કરી હતી. નવાઈની વાત એ છે કે પકડાયેલ તમામ મહિલા બુટલેગરો નવસારીના અમલસાડ, બીલીમોરાની વતની છે. જેમાં 30 વર્ષથી લઈને 80 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે. જેઓએ પ્લાસ્ટિક ઝુંબેશ વખતે નગરપાલિકાએ આપેલ કાપડની થેલીઓ, પર્સનો ઉપયોગ શાકભાજી ભરવાના બદલે દારૂની ભરવામાં કર્યો હતો. જ્યારે એ ઉપરાંત 22થી 58 વર્ષના સુરત, નવસારી અને પારડી ના 6 પુરુષો પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા.
પોલીસે તમામ બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા મહિલા બુટલેગરોના નામ
રમીલા નવીન પટેલ, લીલા હરી પટેલ, વૈશાલી ભોગીલાલ મિસ્ત્રી, લીલા જશવંત પટેલ, કાશી સુમન પટેલ, સુશીલા યુવરાજ ગવાની, ખાપી બાવા પટેલ, હસુમતી રાજુ ટંડેલ, યોગીના રોહિત બીલીમોરિયા નામની તમામ મહિલા બુટલેગરો નવસારી ની છે. મીના બળવંત ટંડેલ, ભૂમિકા નીતિન પટેલ નામની 2 મહિલા વલસાડની છે. જ્યારે કૌશલ નંદકિશોર, મોહિત સોનુ ઠાકુર, ધીરજ કૃપાશંકાર દુબે અને પ્રકાશ સરદાર બાગલે નામના પુરુષો નવસારીના જ્યારે પંકજ મોહન પટેલ પારડી-વલસાડનો અને ગણેશ સુનિલપ્રસાદ જોશી સુરતનો રહેવાસી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂની માગ કલ્પવી મુશ્કેલ.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં લોકડાઉન લાગ્યું છે. દમણમાં મોટાપાયે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં રોજ કેટલાય લોકો કોરોનામાં પોતાનો જીવ ખોઈ રહ્યા છે. ત્યારે આવા કપરા સમયે પણ બુટલેગરો દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં અચકાતા નથી. એ જોતા ગાંધીના ગુજરાતમાં દારૂની કેટલી મોટી ડિમાન્ડ હશે તે કલ્પવું મુશ્કેલ છે.