અમદાવાદમાં ગણેશ પંડાલ અને તાજીયા જુલૂસ પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશ્નરનું જાહેરનામું
આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે. ત્યારે તહેવારોમાં જાહેરમાં લોકો ભેગા ના થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરમાં ગણેશ પંડાલ બાંધવા અને જાહેરમાં તાજિયાના જુલૂસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ: આગામી 22 ઓગસ્ટના રોજ ગણેશ ઉત્સવ શરૂ થશે ત્યારે ઘરમાં જ બે ફૂટની જ ગણેશજીની મૂર્તિ સ્થાપન કરી શકશે. લોકોએ ફરજિયાત ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ ગણેશોત્સવને લઇ નીચે મુજબ પ્રતિબંધ ફરમાવ્યા છે. જેમાં 2 ફૂટથી વધુ મોટી મૂર્તિ સ્થાપના અને વેચાણ પર પ્રતિબંધ છે તથા વિસર્જન પણ નદીમાં નહિ થઈ શકે અને જાહેરમાં ડીજે કે સ્પીકર નહીં વગાડી શકાય.
ત્યારબાદ, 29 અને 30 ઓગસ્ટે મોહરમ અને તાજીયા છે. ત્યારે મોહરમ પર 2 ફૂટથી વધુ જાહેરમાં, મોહલ્લા અને કમિટી દ્વારા તાજીયા નહિ કાઢી શકાય કે લાઉડસ્પીકર નહિ વગાડી શકાય. માત્ર ઘરે જ તાજીયાની સ્થાપના કરી ઘરે ફરજિયાત વિસર્જન કરવાનું રહેશે. તાજીયાની સ્થાપના બાદ કોઈની લાગણી દુભાય તેવું કૃત્ય નહિ કરી શકે.
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.