- ગ્રામજનોએ લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી
- મોકૂફ રાખ્યા બાદ ગ્રામજનો દ્વારા ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો
- ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરી ગાડીઓને ભારે નુકસાન પહોંચાડ્યું
તાપી : ડોસવાડા ગામે હાલ શરૂ થવા જઈ રહેલી મેસર્સ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ કંપની ( Hindustan Zinc Limited )ના વિરોધને લઈને આજે સોમવારે લોક સુનાવણી ( Public Hearing ) રાખવામાં આવી હતી. જોકે 11 વાગે શરૂ થયેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( Gujarat Pollution Control Board ) દ્વારા સુનાવણીમાં આજુબાજુના 10 કિલોમીટર સુધીના ગામોના લોકો વિરોધના બેનર સાથે ત્યાં ઉમટી પડ્યા હતા અને લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી. લોકોનો રોષ જોઈને વહીવટીતંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતમાં શિખ સમુદાયને સુરક્ષા આપવા રાષ્ટ્રીય શિખ સંગતની માગ
પોલીસે ટોળાને હટાવવા ટીયરગેસના સેલ છોડ્યા
સુનાવણી મોકૂફ રાખ્યા બાદ ગ્રામજનો દ્વારા ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેથી, પોલીસે તેઓને હટાવવા માટે કામગીરી શરૂ કરી હતી, પરંતુ બેકાબું બનેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત, ત્યાં ઉભી રહેલી પોલીસની ગાડીઓનાં કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જેથી પોલીસે પણ સામે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ પથ્થરમારામાં 7થી 8 જેટલા પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જેઓને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.