ખાતમુહૂર્ત પ્રસંગે ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં નિર્માણ થતાં નવા બસ સ્ટેશનોમાં મુસાફરો માટે પાયાની સુવિધાઓની સાથે વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે ગુજરાતના નાગરિકો માટે કાર્યરત એસ. ટી.ની સુવિધામાં વધારો થાય અને છેવાડાના માનવીઓને વધુ સારી રીતે એસ. ટી.ની સેવાઓ મળે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે.
સુરેન્દ્રનગરમાં સુવિધાસભર બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અંદાજિત રૂપિયા ૮.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક સુવિધાસભર બસ સ્ટેશનનું શનિવારે ગુજરાત વાહન વ્યવહાર રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં વહીવટી તંત્રના અઘિકારીઓ તેમજ એસ.ટી સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
છેલ્લા વર્ષ દરમિયાન વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર - કંડકટર સહિતના વહિવટી કર્મીઓની કરવામાં આવેલ ભરતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, "રાજ્યમાં એક વર્ષ દરમિયાન 2,620 ડ્રાઈવર, 1,503 કંડકટર અને 380 જેટલા વહિવટી કર્મચારીઓની આ વિભાગમાં નિમણૂંક કરીને રાજ્ય સરકારે વાહન વ્યવહાર નિગમ દ્વારા વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરી હતી. સાથે રાજ્યના ૯૬ જેટલા બસ સ્ટેશનોને સી.સી. ટીવી કેમેરાથી સજ્જ બનાવ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ અને સુરેન્દ્રનગર - દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ વીપીનભાઇ ટોળિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના રાજકોટ વિભાગના ઈન્ચાર્જ વિભાગીય નિયામક પી. પી. ધામાએ સ્વાગત પ્રવચન અને અંતમાં સુરેન્દ્રનગરના ડેપો મેનેજર એસ. ડી. પરમારે આભારવિધી કરી હતી.આ કાર્યક્રમમાં અમદાવાદના સીનીયર ઓડીટર ઓફિસર જે. એ. બારોટ, રાજકોટ વિભાગના વહીવટી અધિકારી કિંજલબેન દવે, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ, અનિરૂધ્ધસિહ પઢિયાર, જગદીશ મકવાણા, જશુભા ગોહિલ, અધિકારી - પદાધિકારીશ્રીઓ, એસ.ટી. વિભાગના કર્મચારીઓ અને નગરજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.