ધ્રાંગધ્રા તાલુકાના પૃથુગઢ ગામમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગર પિતા-પુત્રના ત્રાસથી ગ્રામજનો સહિત મહિલાઓ ત્રસ્ત બની ગયા છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતા કોઈ જ કાર્યવાહી કે, ઉકેલ આવ્યો નથી. તેમજ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને થતું હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ અવાર-નવાર મહિલાઓ અને યુવતીના છેડતીના બનાવો પણ બની ચુક્યાં છે. યુવાઘન સહિત પરિવારો વ્યસનમાં બરબાદ થઈ રહ્યાં છે.
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના પૃથુગઢમાં બુટલેગરોના ત્રાસથી લોકોએ પોલીસ મથકે કર્યો હલ્લાબોલ
સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશ તેમજ દેશી દારૂ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના પૃથુગઢ ગામના લોકોએ બુટલેગરના ત્રાસથી કંટાળી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો. તાત્કાલીક બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બુટલેગર પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મહિલાઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં. હલ્લાબોલ કરી બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે આ રજુઆતને પગલે ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિત સીટી પીઆઈ કે.એ.વાળા સહિતનાઓ આવી પહોંચ્યા હતા. બુટલેગર સહિત તેના પુત્રો સામે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.