તાજેતરમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી, લખતર, પાટડી, ધ્રાંગધ્રા સહિતના તમામ તાલુકાના ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કરેલા ઉભા પાકો પર પાણી ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મોટા પાયે નુકસાન થયું હતુ, જે અંગે વળતર મેળવવા ખડૂતોએ અરજી કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાની અંગે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ દરેક ખેડૂત દીઠ પ્રતિ હેકટર નુકસાની દીઠ રૂપિયા ૬૮૦૦ ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ પાક વીમાના વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સુરેન્દ્રનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત મુજબ દરેક ખેડૂતને પાકના વળતર રૂપે હેક્ટર દીઠ રૂપિયા ૬૮૦૦ મળવાપાત્ર છે,પંરતુ સુરેન્દ્રનગરમાં ખેડૂતો દ્વારા આ પેકેજનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડતોના કહેવા પ્રમાણે પાકના નુકસાનના પ્રમાણમાં આ રકમ ઓછી છે. જેથી તેઓએ આ મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું.
જયારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હોવાથી એસડીઆરએફના નિયમ મુજબ દરેક ખેડૂતને પ્રતિ હેકટર દીઠ રૂપિયા ૧૩૫૦૦ વળતર મળવાપાત્ર છે. પરંતુ રાજ્ય સરકારે અગાઉ આ જાહેરાત કર્યા બાદ,તાજેતરમાં માત્ર ખેડૂત દીઠ રૂપિયા ૬૮૦૦ હેકટર દીઠ જાહેર કરી હતી જેથી ખેડૂતો સાથે છેતરપિંડી અને અન્યાય કરવામાં આવ્યો છે. આથી જિલ્લાભરના ખેડૂતો સહીત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર તેમજ વીમા કંપની સામે રોષ દાખવી જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા. આ સાથે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. આ તકે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહીત ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, જે. કે. પટેલ સહીત વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.