કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકતા કાયદો (CAA) પસાર કરવામાં આવ્યો છે. આ કાયદાના કારણે ભારતમાં રહેતા કોઈપણ ધર્મના લોકોને કોઈપણ પ્રકારની અસર થશે નહીં, તેવો સંદેશો પહોંચાડવાના ભાગરૂપે લીંબડીમાં રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવાના સંદર્ભે સંવિધાન બચાવોના સ્લોગન સાથે બાઇક રેલી યોજાઈ હતી.
લીંબડીમાં સંવિધાન બચાવોના નારા સાથે ભવ્ય બાઇક રેલી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડીમાં રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા સંવિધાન બચાવોના નારા સાથે બોર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર કરી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. જે રેલીમાં શહેરીજનોમાં અનેરો રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત શહેરના નાગરિકો જોડાયા હતા.
બાઇક રેલી યોજાઈ
લીંબડી ગ્રીનચોક ખાતે શંભુપ્રસાદ ટૂંડિયા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શહેર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટના આગેવાનો, શૈક્ષણિક સંસ્થા તેમજ વિવિધ મંડળોના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
શહેરના લીંબડી ગ્રીનચોક ખાતેથી આ રેલી શરૂ થઈને એડી જાની રોડ થઇને લીંબડી સેવા સદન કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં મામલતદારને સંવિધાન બચાવોના નેજા હેઠળ શહેરના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.