સુરેન્દ્રનગરઃ જિલ્લાની અનેક સબ જેલો અવાર-નવાર ચર્ચામાં આવતી હોય છે. જેલમાંથી મોબાઇલ, સીમકાર્ડ જેવી પ્રતિબંધત વસ્તુઓ પણ અગાઉ મળી ચૂકી છે. હાલ લોકડાઉનને કારણે જિલ્લાની અનેક જેલોમાંથી કેદીઓને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે, પરંતુ આમ છતાં અનેક કેદીઓ હજૂ પણ જેલમાં સજા ભોગવી રહ્યા છે.
ધ્રાંગધ્રા સબ જેલમાં પોલીસની લાપરવાહી, 5 આરોપી ફરાર
હાલ એક તરફ કોરોના વાઇરસની માહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન દરમિયાન પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. જેમા ધ્રાંગધ્રા સબ જેલમાંથી એક સાથે 5 કેદી દિવાલ કુદીને ફરાર થઈ ગયા છે. જેથી પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. 5 આરોપી ફરાર થવાથી તેમને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા સબ જેલમાં સજા ભોગવી રહેલા 5 કેદીઓ કાશ કુશવાહ, શંતુ કાન્તી, ધરમ કાન્તી, નાનજી કાન્તી અને સવજી કાન્તીએ મોડી રાત્રિએ બેરેકનું તાળું તોડી જેલની દિવાલ કુદી ફરાર થઇ ગયા હતા. જે અંગેની જાણ થતા DYSP, LCB, SOG ડોગ સ્કોવડે સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને નાશી છૂટેલા કેદીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હજૂ થોડા દિવસો પહેલાં જ ધ્રાંગધ્રા સબ જેલમાંથી 2 કેદીઓ પાસેથી 2 મોબાઇલ મળી આવ્યા હતા, ત્યારે આજે એક સાથે 5 કેદીઓ જેલમાંથી નાશી છૂટતાં જેલર વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.