સુરત:શહેરની લાજપોર જેલમાં કેદ એક આરોપી કે જેનું નામ ભરત ચૌધરી છે. ભરત ચૌધરી 14 વર્ષની ઉંમરમાં બનાસકાંઠાથી સુરત કામકાજ અર્થે આવ્યો હતો. આ દરમ્યાન સુરત પોલીસે એનડીપીએસના ગુના હેઠળ વર્ષ 2021માં ભરતની ધરપકડ કરી હતી અને તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ભરત જેલમાં અન્ય આરોપીઓ સાથે હીરા ઘસવાનું કામ કરી રહ્યો છે. પરંતુ ભરતને સપનામાં ખ્યાલ ન હતો કે તેની આ સજા તેના માટે સુખદાયી નીવડશે.
પરિવારથી ક્યારે અલગ થયો આરોપી:ભરત 16 વર્ષથી પોતાના પરિવારથી અલગ રહ્યો હતો. પરિવારમાં પિતા સિવાય અન્ય કોઈ પણ સભ્યના ચહેરા તેને યાદ પણ ન હતા. સુરતની લાજપોર જેલમાં કેદ આ આરોપી 16 વર્ષમાં ક્યારેય પોતાના પરિવાર પાસે પરત ગયો ન હતો. પરંતુ તેના જેલવાસ દરમ્યાન તેના જીવનમાં નવો વળાંક આવ્યો. ભરતનો ભાઈ દશરથ અમદાવાદ જેલમાં જેલ સહાયક તરીકે કામ કરતો હતો. આ દરમ્યાન ભરતના નાના ભાઈ દશરથે એક મિત્ર સાથે તેના ભાઈ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ મિત્રે તેને ગુજરાતની જેલમાં પણ તેના ભાઈને શોધવાની સલાહ આપી હતી.
ઈ-જેલ પોર્ટલ દ્વારા ભાઈઓનું મિલન:જિજ્ઞાસાને કારણે સહાયક તરીકે કામ કરતાં દશરથે ગુજરાત જેલના ઈ-જેલ પોર્ટલમાં તેના ભાઈનું નામ સર્ચ કર્યું. જેમાં તેને ખબર પડી કે આ નામનો એક વ્યક્તિ સુરત લાજપોર જેલમાં કેદ છે. અને તેની સામે NDPS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેલ સહાયક બનેલા ભાઈએ ઈ-જેલ પોર્ટલ દ્વારા 17 વર્ષથી ગુમ થયેલા ભાઈને સુરત જેલમાંથી શોધી કાઢ્યો. ત્યારબાદ દશરથ તેના પરિવાર સાથે ભરતને મળવા સુરત પહોચ્યો અને વર્ષોથી વિખુટા પડેલા પરિવાર ફરી એક થતાં જેલ અધિકારીઓ પણ આશ્વર્યચકિત થઈ ગયા હતા.